રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા રસ્તાઓની ખરાબ હાલતને લઈ તાત્કાલિક મરામત કામગીરી હાથ ધરવા નિર્દેશ આપવામાં આવ્યા છે. આ સૂચના અનુસાર ગીર સોમનાથ જિલ્લાના વિવિધ માર્ગો પર યોગ્ય પગલાં લેવામાં આવી રહ્યા છે.
જિલ્લા કલેક્ટર શ્રી એન.વી. ઉપાધ્યાયના માર્ગદર્શન હેઠળ માર્ગ અને મકાન વિભાગ (સ્ટેટ) દ્વારા માધુપુર-પ્રાચી રોડ ઉપર ઝડપી અને ગુણવત્તાસભર પેચવર્કની કામગીરી હાથ ધરવામાં આવી છે. વર્તમાન સીઝનમાં વરસાદને કારણે માર્ગોના પાવડામાં થયેલી તૂટફૂટને ધ્યાનમાં રાખી વેટમિક્ષ પદ્ધતિથી મરામત કાર્ય શરૂ કરવામાં આવ્યું છે.
આ કામગીરીથી માત્ર વાહનચાલકોને મુસાફરી દરમિયાન રાહત મળશે એટલું જ નહીં, પણ માર્ગ અકસ્માતોની શક્યતા ઘટશે તેમજ સ્થાનિક અને પ્રવાસી લોકો માટે પણ વધુ સુગમ પ્રવાસનો માર્ગ ખુલશે.
સ્થાનિક વાસીઓ દ્વારા રસ્તાની મરામતની કામગીરી અંગે સંતોષ વ્યક્ત કરવામાં આવ્યો છે તથા આવનારા દિવસોમાં જિલ્લાના અન્ય રુંધાયેલા રસ્તાઓ પર પણ ત્વરિત કામગીરી થવાની આશા વ્યક્ત કરાઈ છે.
અહેવાલ : પ્રકાશ કારાણી, વેરાવળ સોમનાથ