કૃષિ ક્ષેત્રને વધુ પારદર્શક, ઝડપી અને ડિજિટલ બનાવવા માટે ભારત સરકારે ડિજિટલ પબ્લિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર ફોર એગ્રીકલ્ચર યોજના અંતર્ગત ‘એગ્રીસ્ટેક-ડિજિટલ ક્રોપ સર્વે’ની શરૂઆત કરી છે. આ યોજનાનો હેતુ ગામ-ગામના ખેતરોમાં વાવેલ પાકની સાચી અને તાજી માહિતી ડિજિટલ માધ્યમથી મેળવવાનો છે.
ગીર સોમનાથ જિલ્લામાં આ સર્વે ખરીફ સીઝન ૨૦૨૫-૨૬થી અમલમાં આવી રહ્યો છે. આ કામગીરી માટે સરકારી સ્ટાફ સાથે સાથે પ્રાઈવેટ સર્વેયર્સને પણ કામ કરવાની તક આપવામાં આવી રહી છે, જેથી ગ્રામ્ય સ્તરે ઝડપી અને વ્યાપક સર્વે શક્ય બને.
સર્વેમાં કરવાની કામગીરી:
ગામના દરેક સર્વે નંબર (જમીનના પ્લોટ) દીઠ વાવેલ પાકની વિગત સરકારની વિશેષ મોબાઈલ એપ દ્વારા નોંધવી.
પાકના પ્રકાર, વાવણીની તારીખ, અંદાજિત ક્ષેત્રફળ અને સ્થિતિ જેવી માહિતી સમયસર એન્ટ્રી કરવી.
સચોટ અને વાસ્તવિક માહિતી મેળવવા માટે સ્થળ પર જઇ ખેતરની મુલાકાત લેવી.
ભૂગતાન અને સુવિધા:
દરેક સર્વે નંબર દીઠ સરકાર દ્વારા નિર્ધારિત દરે મહેનતાણું ચૂકવવામાં આવશે. આથી, કામ કરતા જેટલું સર્વે પૂર્ણ થશે તેટલું મહેનતાણું મળશે.
કૌશલ્ય આવશ્યક:
સ્માર્ટફોનનો સારો ઉપયોગ આવડવો.
ઇન્ટરનેટ કનેક્શન અને એપ્લિકેશનમાં માહિતી એન્ટ્રી કરવાની ટેકનિકલ જાણકારી હોવી.
ખેતરોમાં સીધા જઈને ખેડૂતો સાથે વાતચીત કરવાની ક્ષમતા.
અરજી પ્રક્રિયા:
આ કામમાં જોડાવા માટે ઈચ્છુક યુવાનો અને વ્યક્તિઓએ ૧૧ ઓગસ્ટ, ૨૦૨૫ સુધીમાં નાયબ ખેતી નિયામક (વિસ્તરણ), ગીર સોમનાથની કચેરી — શ્રીનાથજી સોસાયટી, પાણીના ટાંકાની પાસે, હોન્ડા શોરૂમ પાછળ — સંપર્ક કરવો.
વધુ માહિતી માટે ફોન નંબર ૦૨૮૭૬-૨૪૦૭૦૦ પર સંપર્ક કરી શકાય છે.
યોજનાનું મહત્વ:
આ ડિજિટલ ક્રોપ સર્વે ખેડૂતોના હિતમાં મહત્વપૂર્ણ સાબિત થશે, કારણ કે:
પાકની સાચી આંકડાકીય માહિતી સરકાર સુધી પહોંચશે.
વીમા, સહાય, સબસિડી અને અન્ય યોજનાઓ સમયસર અને યોગ્ય ખેડૂત સુધી પહોંચશે.
ખેતરની જમીન અને પાકની સ્થિતિ પર આધારીત આયોજન સરળ બનશે.
આ પ્રોજેક્ટથી સ્થાનિક સ્તરે રોજગારીની તક પણ વધશે, ખાસ કરીને ટેકનોલોજી જાણતા યુવાનોને તેમના ગામડામાં જ આવકનું સશક્ત માધ્યમ મળશે.
અહેવાલ: પ્રકાશ કારાણી, વેરાવળ-સોમનાથ