રાજ્ય સરકારના માર્ગદર્શન હેઠળ જિલ્લાકક્ષાએ ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસના કામોનું જાત નિરીક્ષણ ચાલુ રાખવામાં આવી રહ્યું છે. ગીર સોમનાથ જિલ્લામાં પ્રભારી સચિવ તરીકે નિયુક્ત જેનુ દેવનના અધ્યક્ષસ્થાને ઈણાજ સ્થિત જિલ્લા સેવા સદન ખાતે પુલ અને રસ્તાઓ અંગે વિસ્તૃત સમીક્ષા બેઠક યોજાઈ હતી.
બેઠકમાં પ્રભારી સચિવે ખાસ કરીને નેશનલ હાઈવે, સ્ટેટ હાઈવે, નગરપાલિકા તેમજ પંચાયત હસ્તકના પુલો અને રસ્તાઓની હાલતની ચકાસણી કરી સંલગ્ન વિભાગના અધિકારીઓને માર્ગદર્શક સૂચનો આપ્યા. તેમણે તાજેતરના વરસાદમાં ધોવાઈ ગયેલા માર્ગોનું તાત્કાલિક દુરસ્તીકરણ કરવા પણ તાકીદ કરી.
તેમણે કોડીનાર-જામવાળા, ઉના-ગીરગઢડા, સામતેર-બેડીયા જેવી વિવિધ માર્ગોની તેમજ તેમાં આવેલા મેજર-માઈનોર પુલોની માહિતી મેળવી. સાથે સાથે વેરાવળ બંદરના પુલ પર સુરક્ષા માટે બેરીકેડિંગ અને સિક્યુરિટી ગાર્ડની વ્યવસ્થા કરવા માટે પણ સૂચનો કર્યા.
પ્રભારી સચિવે રોડ કામગીરી શરૂ કરતાં પહેલા વીજળી, ગેસ અને નેટવર્ક જેવી સેવાઓના વિભાગોને અગાઉથી જાણ કરવા જણાવ્યું, જેથી વારંવાર રીપેરીંગ માટે ખોદકામ ન થાય.
કલેક્ટર એન.વી. ઉપાધ્યાયે પ્રભારી સચિવને વિવિધ પુલો પર વાહન વ્યવહાર અંગે જિલ્લાની કામગીરી વિશે અવગત કર્યા. નિવાસી અધિક કલેક્ટર રાજેશ આલેના પ્રેઝન્ટેશન દ્વારા જંગલ કટિંગ, મેટલ પેચવર્ક જેવી કામગીરી વિશે વિગતો રજુ કરાઈ.
આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી, જિલ્લા પોલીસ વડા, નાયબ કલેક્ટર સહિત વિવિધ વિભાગના વરિષ્ઠ અધિકારીઓ હાજર રહ્યા હતા.
અહેવાલ: પ્રકાશ કારાણી, વેરાવળ-સોમનાથ