ગીર સોમનાથમાં પ્રભારી સચિવ જેનુ દેવની પુલોની રૂબરૂ મુલાકાત, તાત્કાલિક સમારકામ અને કામગીરી માટે અધિકારીઓને સ્પષ્ટ સૂચનાઓ.

ગીર સોમનાથ જિલ્લામાં પુલોની હાલતની સમીક્ષા કરવા રાજ્યના પ્રભારી સચિવ શ્રી જેનુ દેવે આજે વેરાવળથી લઇ તાલુકા વિસ્તારો સુધી અનેક મહત્વપૂર્ણ પુલોની રૂબરૂ મુલાકાત લીધી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્યભરમાં તમામ પુલોની ગુણવત્તા, સલામતી અને સમારકામ અંગેની પ્રક્રિયા ચાલી રહી છે, જેમાં પ્રભારી મંત્રીઓ તથા સચિવોને વિવિધ જિલ્લાઓની જવાબદારી સોંપવામાં આવી છે.

ગીર સોમનાથ જિલ્લાની મુલાકાત દરમિયાન પ્રભારી સચિવે વેરાવળ બંદર નજીક આવેલા કલ્વર્ટ, કાજલી માર્કેટ યાર્ડ પાસે હીરણ નદી પરનો પુલ, તેમજ તાલાલા ખીરધાર-જેપુર રોડ પર આવેલા પુલોનું નિરીક્ષણ કર્યું હતું. તદુપરાંત ચીત્રાવડ ગામે રમરેચી-ચીત્રાવડ-હરીપુર રોડ પર આવેલા પુલની પણ મુલાકાત લઇ તંત્રને જરૂરી સૂચનાઓ આપીને સ્થાનિક સમસ્યાઓ અંગે પણ વિગતો મેળવી હતી.

પ્રભારી સચિવે ખાસ કરીને ગ્રામીણ વિસ્તારોને જોડતા પુલોની હાલત વિષે ગંભીરતાપૂર્વક વિસ્તૃત સમીક્ષા કરી હતી અને અધિકારીઓને સ્પષ્ટ સૂચનાઓ આપી હતી કે પુલ પરના પોટહોલ્સનું તાત્કાલિક સમારકામ થાય, વાહનચાલકોને આવતા અવરોધો દૂર થાય અને સલામતીને ધ્યાને લઈ કામગીરીમાં ગતિ લાવવામાં આવે.

વિઝિટ દરમિયાન તેમની સાથે પ્રાંત અધિકારી વિનોદ જોશી, નાયબ કલેક્ટર એફ.જે.માકડા, આરએન્ડબી વિભાગના વિવિધ ઈજનેરો અને નેશનલ હાઈવે તેમજ એનએચએઆઈના અધિકારીઓ હાજર રહ્યા હતા.

પ્રજાજન હિતમાં અને સંભવિત અકસ્માત અટકાવવાના હેતુથી સરકાર દ્વારા ઝડપી અને અસરકારક કામગીરી કરવામાં આવી રહી છે, જે અંતર્ગત આવું તાત્કાલિક નિરીક્ષણ અને તંત્રની જવાબદારી નિર્ધારિત થવી સકારાત્મક પગલું ગણાવાઈ રહ્યું છે.

અહેવાલ: પ્રકાશ કારાણી, વેરાવળ-સોમનાથ.