શિક્ષણક્ષેત્રે ગુજરાત સરકારની મહત્વકાંક્ષી ભરતી પ્રક્રિયાના ભાગરૂપે, ગીર સોમનાથ જિલ્લામાં ગ્રાન્ટેડ ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં ૫૬ શિક્ષણ સહાયકોની નિમણૂક કરવામાં આવી છે.
શિક્ષણ સહાયકોને જિલ્લા શિક્ષણાધિકારી શ્રી એમ.પી. બોરિચાના વરદહસ્તે વેરાવળની શ્રીમતી મણિબહેન કોટક હાઈસ્કૂલ ખાતે નિયુક્તિ પત્રો એનાયત કરાયા હતા. સમગ્ર કાર્યક્રમ દરમિયાન નિમણૂક પામેલા તમામ શિક્ષકોનું ઉત્સાહભેર સ્વાગત પણ કરવામાં આવ્યું હતું.
રાજ્ય સરકાર દ્વારા કેન્દ્રીયકૃત પદ્ધતિથી પાત્ર ઉમેદવારોની પસંદગી કરવામાં આવી હતી. તે અનુસંધાને હવે ગીર સોમનાથ જિલ્લાની ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં નવી નિમણૂકો અમલમાં આવી રહી છે, જેનાથી શિક્ષણ ક્ષેત્રે ગુણવત્તામાં વધારો થશે એવી આશા વ્યક્ત કરવામાં આવી છે.
આ પ્રસંગે જિલ્લા શિક્ષણ કચેરીના શિક્ષણ નિરિક્ષકો, મદદનીશ શિક્ષણ નિરિક્ષકો, હેડ ક્લાર્ક તથા વહીવટી સ્ટાફ પણ ઉપસ્થિત રહ્યા હતા અને નવી નિમણૂક પામેલા શિક્ષણ સહાયકોને અભિનંદન પાઠવ્યાં હતા.
સરકારની ભરતી પ્રક્રિયાના અંતિમ તબક્કામાં આવી સફળ નિમણૂક થવાથી ગીર સોમનાથ જિલ્લામાં શૈક્ષણિક ધોરણે વધુ મજબૂત માળખું ઊભું થશે અને વિદ્યાર્થીઓને ગુણવત્તાવાળું શિક્ષણ પ્રાપ્ત થશે.
અહેવાલ: પ્રકાશ કારાણી – વેરાવળ, સોમનાથ