ગીર સોમનાથ જિલ્લામાં મેલેરિયા સામે તંત્રની સઘન ઝુંબેશ, ૨૮ હજારથી વધુ લોહીના નમૂનાઓની તપાસ.

રાજ્ય સરકારના “મેલેરિયા મુક્ત ગુજરાત – ૨૦૨૭”ના લક્ષ્યને અનુરૂપ, ગીર સોમનાથ જિલ્લામાં જૂન મહિનો મેલેરિયા વિરોધી માસ તરીકે ઊજવાયો હતો.

જિલ્લા આરોગ્ય તંત્ર, જિલ્લા પંચાયત અને મેલેરિયા શાખાના સહયોગથી ૨૯ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો અને ૪ અર્બન હેલ્થ સેન્ટરોના સ્ટાફે હાઉસ ટુ હાઉસ સર્વે હાથ ધર્યો હતો.

આ અભિયાન દરમિયાન ૨૮,૭૭૩ લોહીના નમૂનાઓનું પરીક્ષણ, ૨,૫૮,૯૪૫ ઘરોની તપાસ, અને ૧૦,૪૦,૪૨૨ પાત્રોની ચકાસણી કરવામાં આવી. ચકાસણીમાં ૧૩,૦૪૩ પોઝીટીવ બ્રીડીંગ પાત્રો મળ્યા, જેને તાત્કાલિક નષ્ટ કરવામાં આવ્યા હતા.

સાથે સાથે ૬,૫૬,૪૭૫ ક્લોરીનેશન ટેબ્લેટ અને ૩,૬૫૩ ઓ.આર.એસ. પેકેટનું વિતરણ, અને ૫૮૧ સ્થળે પોરાભક્ષક માછલીઓ છોડવામાં આવી હતી. અર્બન વિસ્તારોમાં ૧૦ વેક્ટર કંટ્રોલ ટીમોએ પણ એંટીલાર્વલ દવાઓનો છંટકાવ કર્યો.

જાહેર જાગૃતિ માટે પોસ્ટર્સ, લઘુ શિબીરો, પત્રિકા વિતરણ, અને ગ્રુપ ચર્ચાઓ પણ યોજાઈ. મચ્છરજન્ય રોગોની માહિતી આપવા સ્થાનિક સ્તરે જાગૃતિ ફેલાવવામાં આવી.

તંત્રએ લોકોને અપીલ કરી છે કે મચ્છર ઉત્પત્તિના સ્થાનોને દૂર રાખે, પાણીના પાત્રો ઢાંકીને રાખે અને ઘરના આસપાસ સફાઈ જાળવે.


અહેવાલ: પ્રકાશ કારાણી, વેરાવળ – સોમનાથ