ગીર સોમનાથ જિલ્લામાં ૨૨ શિક્ષણ સહાયકોને નિમણૂક હુકમો એનાયત – નવનિયુક્ત શિક્ષકોમાં ઉત્સાહનો માહોલ.

ગીર સોમનાથ જિલ્લાની સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષણ વિભાગની ખાલી જગ્યાઓ માટે રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવેલી કેન્દ્રીયકૃત ભરતી પ્રક્રિયામાં પસંદગી પામેલા ઉમેદવારોને તેમના નિમણૂક હુકમો એનાયત કરવામાં આવ્યા છે.

જિલ્લા શિક્ષણાધિકારી શ્રી એમ.પી. બોરીચાની અધ્યક્ષતામાં વેરાવળ સ્થિત મણીબહેન કોટક હાઈસ્કૂલ ખાતે આ વિશિષ્ટ નિમણૂક હુકમ વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કુલ ૨૨ શિક્ષણ સહાયકોને અધિકૃત રીતે તેમના નિયુક્તિ પત્રો એનાયત કરવામાં આવ્યા.

આ પ્રસંગે જિલ્લા શિક્ષણાધિકારી કચેરીના વિવિધ વિભાગોના નિરીક્ષકો, સહાયક શિક્ષણ નિરીક્ષકો, હેડ ક્લાર્ક તથા વહીવટી સ્ટાફની પણ ઉપસ્થિતિ રહી હતી. તમામ નવનિયુક્ત શિક્ષકોનું પોષક શાળાઓમાં હાર્દિક સ્વાગત કરવામાં આવ્યું હતું અને આગામી કારકિર્દી માટે શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.

આ પ્રકારની કામગીરીથી શાળાઓમાં શિક્ષકવર્ગની ખોટ દૂર થશે તેમજ શિક્ષણની ગુણવત્તા વધારવા માટે રાજ્ય સરકાર દ્વારા થઈ રહેલા પ્રયત્નો વધુ સુફળ સાબિત થશે. નવી નિમણૂક મેળવનારા યુવા શિક્ષકોએ પણ ભાવિ પેઢીને ગુણવત્તાપૂર્વક શિક્ષણ આપવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.

અહેવાલ: પ્રકાશ કારાણી, વેરાવળ-સોમનાથ