ગીર સોમનાથ જિલ્લો ગુજરાત સ્ટેટ રોડ સેફટી એવોર્ડમાં પ્રથમ સ્થાન પર

વર્ષ ૨૦૨૩-૨૪ના “ગુજરાત સ્ટેટ રોડ સેફટી એવોર્ડ”માં ગીર સોમનાથ જિલ્લામાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કરી વધુ એક ગૌરવવંતી સિદ્ધિ નોંધાવી છે.

રાજ્યના વાહન વ્યવહાર વિભાગ દ્વારા દર વર્ષે માર્ગ સલામતી ક્ષેત્રે કરેલી શ્રેષ્ઠ કામગીરીને આધારે “ગુજરાત સ્ટેટ રોડ સેફટી એવોર્ડ” એનાયત કરવામાં આવે છે. શહેર/જિલ્લા માર્ગ સલામતી સમિતિ કેટેગરી હેઠળ આ વર્ષે ગીર સોમનાથ જિલ્લાની કામગીરીને પ્રથમ સ્થાન મળ્યું છે.

આ પ્રસંગે આજે ગાંધીનગર ખાતે યોજાયેલા રાજ્યકક્ષાના સન્માન સમારોહમાં જિલ્લા કલેક્ટર એન.વી. ઉપાધ્યાયે ગીર સોમનાથ જિલ્લાના વતી એવોર્ડ પ્રાપ્ત કર્યો હતો. તેમને રાજ્યના ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીના હસ્તે રૂ. ૩ લાખની ઇનામી રકમ, પ્રશસ્તિપત્ર અને મેડલ એનાયત કરાયા.

જીલ્લા માર્ગ સલામતી સમિતિના અધ્યક્ષ તરીકે કલેક્ટરશ્રીએ સમગ્ર જિલ્લામાં અકસ્માતો ઘટાડવા માટે વિવિધ વ્યવસ્થિત અને અસરકારક પગલાં અમલમાં મુકાવ્યા હતા. તેઓના માર્ગદર્શન હેઠળ યોજાયેલી કામગીરીના પરિણામે જાનમાલની હાનિ ઘટાડવામાં મદદરૂપ થતી કામગીરીને રાજ્ય સ્તરે બિરદાવવામાં આવી છે.

આ પ્રસંગે જિલ્લા પોલીસ વડા મનોહરસિંહ જાડેજા તથા વાહન વ્યવહાર અધિકારી યુવરાજસિંહ વાઘેલા ઉપસ્થિત રહ્યા હતા.

અહેવાલ : પ્રકાશ કારાણી, વેરાવળ સોમનાથ