‘ગુજમાર્ગ’ એપથી રોડ-રસ્તાની 99.66% ફરિયાદોનું તાત્કાલિક નિરાકરણ.

રાજ્ય સરકાર દ્વારા ચોમાસાની ઋતુમાં રસ્તાઓ અને પુલોની સ્થિતિ સુધારવા માટે પ્રો-એકટીવ અભિગમ અપનાવાયો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે માર્ગ અને મકાન વિભાગને માર્ગોની ત્વરિત સમારકામની કડક સૂચનાઓ આપી છે, જેના અનુસંધાનમાં રાજ્યભરમાં રસ્તાઓ પર યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરવામાં આવી છે.

માર્ગ અને મકાન વિભાગ દ્વારા બનાવવામાં આવેલી ‘ગુજમાર્ગ’ એપ્લિકેશનના માધ્યમથી નાગરિકોને તેમના વિસ્તારમાં ખાડા, પુલોની ક્ષતિ કે અન્ય માળખાગત સમસ્યાઓની સીધી ફરિયાદ કરવાની સુવિધા આપવામાં આવી છે. અત્યાર સુધી રાજ્યભરમાંથી ૧૦ હજાર કરતાં વધુ નાગરિકોએ એપ પર રજીસ્ટ્રેશન કરાવ્યું છે અને ૩,૬૩૨ ફરિયાદો નોંધાવી છે. જેમાંથી ૩,૬૨૦ ફરિયાદોનું નિરાકરણ પણ લાવવામાં આવ્યું છે, જે ૯૯.૬૬ ટકા સપાટી સુધીની કામગીરી દર્શાવે છે. બાકીની ૭ ફરિયાદો પર કામગીરી ચાલુ છે.

વિભાગે જાહેર કર્યું છે કે, ‘ગુજમાર્ગ’ એપ પર નાગરિકો પોતાના વિસ્તારના રસ્તા અથવા પુલ સાથે સંબંધિત સમસ્યાઓ અંગે નોંધ કરી શકે છે. આ એપમાં ફોટો અપલોડ કરવાની પણ સુવિધા છે, જેના આધારે અધિકારીઓ સ્થળ પર તપાસ કરી કાર્યવાહી કરી શકે છે. નોંધાયેલી ફરિયાદનું સ્ટેટસ પણ એપ પર જોઈ શકાય છે. નાગરિકોને Google Play Store તથા App Store પરથી આ એપ્લિકેશન ડાઉનલોડ કરવા અને તેનો લાભ લેવા માટે અનુરોધ કરાયો છે.

અહેવાલ : પ્રકાશ કારાણી, વેરાવળ-સોમનાથ