ગુજરાત રાજ્યના ઉદ્યોગ મંત્રી બળવંતસિંહ રાજપૂતની અધ્યક્ષતામાં ગાંધીનગર ખાતે રાજ્યની તમામ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી તથા ઔદ્યોગિક એસોસીએશનોના હોદ્દેદારો સાથે મિટીંગ મળી હતી. આ મિટીંગમાં ગુજરાતના એમએસએમઇ મંત્રી જગદીશ વિશ્વકર્મા, ઇન્ડસ્ટ્રીઝ એન્ડ માઇન્સ વિભાગના પ્રિન્સીપલ સેક્રેટરી સુશ્રી મમતા વર્મા, જીઆઇડીસીના વાઇસ ચેરમેન અને મેનેજિંગ ડિરેકટર ડો. રાહુલ ગુપ્તા, ઇન્ડસ્ટ્રીઝ કમિશ્નર શ્રી સંદીપ સાગલે તથા ગુજરાત સરકારના તમામ વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહયા હતા.
ગુજરાત રાજ્યના ઉદ્યોગ મંત્રી બળવંતસિંહ રાજપૂતે રાજ્યમાં ઉદ્યોગ – ધંધાઓને વ્યાપારમાં પડતી મુશ્કેલીઓને સાંભળી તેનું નિરાકરણ લાવવાના હેતુથી ઉપરોકત મિટીંગ બોલાવી હતી, જેમાં તેમણે ઉદ્યોગ – ધંધાઓને લગતા વિવિધ પ્રશ્નોને સાંભળ્યા હતા અને તે સંદર્ભે સકારાત્મક જવાબો આપ્યા હતા. દરમ્યાન ઉદ્યોગ મંત્રીએ ચાલુ મિટીંગમાં જાહેરાત કરી હતી કે ગુજરાતમાં ઔદ્યોગિક વપરાશ માટે ઉપયોગમાં લેવાતા પાણીના દરમાં દર વર્ષે ૧૦ ટકાનો વધારો કરવામાં આવતો હતો, જેને હવે ઘટાડીને ૩ ટકા કરાયો છે.
ગુજરાતમાં ઔદ્યોગિક વપરાશ માટે ઉપયોગમાં લેવાતા પાણીના દરમાં દર વર્ષે ૧૦ ટકાનો વધારો થતો હતો તેને હવે ઘટાડીને ૩ ટકા કરવાની ઉદ્યોગ મંત્રી શ્રી બળવંતસિંહ રાજપૂતે જાહેરાત કરી
ઉપરોકત મિટીંગમાં ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી, ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી, ફિકકી– ગુજરાત, એસોચેમ– ગુજરાત, રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ, ફેડરેશન ઓફ કચ્છ ઇન્ડસ્ટ્રીઝ એસોસીએશન વિગેરેના હોદ્દેદારો અને પ્રતિનિધીઓ ઉપસ્થિત રહયા હતા. ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી– સુરતના ઉપ પ્રમુખ નિખિલ મદ્રાસી અને ડેપ્યુટી સેક્રેટરી પૌલિક દેસાઇ આ મિટીંગમાં જોડાયા હતા.