ગણદેવી:
ગુજરાત રાજ્યના ગૃહમંત્રી શ્રી હર્ષ સંઘવીના હસ્તે ગાંધીનગર ખાતે દક્ષિણ ગુજરાતના વરિષ્ઠ પત્રકાર શ્રી પરેશભાઈ અધ્વર્યુને **‘ગુજરાત એક્સિલન્સ એવોર્ડ’**થી સન્માનિત કરવામાં આવ્યા. ક્ષય નિવારણ અને સામાજિક સેવા ક્ષેત્રે દીર્ઘકાલીન યોગદાન બદલ તેઓને આ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો.
શ્રી પરેશભાઈ અધ્વર્યુ નવસારી, વલસાડ અને ડાંગ જિલ્લા ટીબી એસોસિએશનના પ્રમુખ તરીકે સેવાઓ આપી ચૂક્યા છે. તે ઉપરાંત લાયન્સ ઈન્ટરનેશનલના ડિસ્ટ્રિક્ટ ચેરમેન, ગણદેવી પત્રકાર સંઘના પ્રમુખ, અને નવસારી જિલ્લા ગ્રામીણ પત્રકાર સંઘના સતત છ વર્ષ સુધી પ્રમુખ તરીકે પણ કાર્ય કર્યું છે.
તેમને ભારતના રાષ્ટ્રપતિ દ્વારા રાષ્ટ્રપતિ ભવન, નવી દિલ્હી ખાતે બે વખત સન્માનિત કરવામાં આવ્યા છે. આ ઉપરાંત ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ દ્વારા પણ સન્માનિત થયા છે. હાલ તેઓ ગુજરાત રાજ્ય ક્ષયરોગ નિવારણ મંડળના કારોબારી સભ્ય તરીકે કાર્યરત છે.
શ્રી પરેશભાઈ અધ્વર્યુ છેલ્લા પાંચ દાયકાથી ક્ષયરોગ નિવારણ અને રક્તપિત રોગ માટે સક્રિય છે. ચંબલ ઘાટીમાં ‘ડકૈતી મુક્ત ચંબલ’ અભિયાનના પાયાના શિલ્પી રહી, યુવાશિબીરો યોજી માનસિક પરિવર્તન માટે મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે.
તેમને લાયન્સ ઈન્ટરનેશનલ દ્વારા MJLF ફેલોશીપ અને ગોલ્ડન પીન, ઉપરાંત દેશ-વિદેશના અનેક એવોર્ડ્સ, સન્માન પત્રો અને શિલ્ડસ મળ્યા છે. તેઓ છેલ્લા બે દાયકાથી ગણદેવી પીપલ્સ કોઓપરેટિવ બેંકના ડિરેક્ટર તરીકે પસંદ થઈ રહ્યાં છે.
તેમના આ પ્રાપ્તિ બદલ વિભિન્ન સંસ્થાઓ અને જિલ્લાભરના આગેવાનો તરફથી અભિનંદન પાઠવવામાં આવ્યા છે.
અહેવાલ: વિશાલ પટેલ, ખેરગામ