અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘના આહ્વાન પર ૧લી સપ્ટેમ્બરે સમગ્ર ભારતમાં “હમારા વિદ્યાલય, हમारा स्वाभिमान” અભિયાન અંતર્ગત સંકલ્પ લેવાયો. દેશભરની પાંચ લાખથી વધુ શાળાઓમાં આ અભિયાન યોજાયું, જેમાં માત્ર ગુજરાત રાજ્યમાંથી જ ૫૦ હજારથી વધુ શાળાઓ, ૨.૩૨ લાખથી વધુ શિક્ષકો અને અંદાજે ૭૦ લાખ વિદ્યાર્થીઓ સંકલ્પબદ્ધ બન્યા.
ભારતીય સંસ્કૃતિમાં સંકલ્પને કાર્યની શરૂઆત ગણવામાં આવે છે. શાળાઓને માત્ર શિક્ષણ પૂરતું કેન્દ્ર નહીં પરંતુ સંસ્કારોનું તીર્થસ્થાન બનાવવા આ અભિયાનનું આયોજન કરવામાં આવ્યું છે. ભાવિ નાગરિકોના ઘડતર માટે મિત્રતા, શિસ્ત, સહયોગ, મહેનત અને સમરસતાના મૂલ્યોનું કેળવણી કરવાનો ઉદ્દેશ્ય પણ આ અભિયાનમાં જોડાયો છે.
અભિયાનના પાંચ મુખ્ય સંકલ્પ
૧. સ્વચ્છ, શિસ્તબદ્ધ અને પ્રેરણાદાયક શાળા
૨. શાળાની મિલકત આપણી રાષ્ટ્રીય સંપત્તિ
૩. શિક્ષણ, ચારિત્ર્ય નિર્માણ તથા સમાજ સેવા
૪. સમરસતા અને ભાઈચારો
૫. શાળાને તીર્થસ્થાન માનવું
રાજ્યકક્ષાના મુખ્ય કાર્યક્રમ ગોધરા ખાતે યોજાયો, જેમાં કેબિનેટ મંત્રી ડૉ. કુબેરભાઈ ડીંડોર ઉપસ્થિત રહ્યા. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના મુખ્ય કાર્યક્રમમાં મંત્રી જગદીશભાઈ પંચાલ હાજર રહ્યા. તદુપરાંત, જિલ્લાકક્ષાએ સાંસદો, ધારાસભ્યો, જિલ્લા પંચાયત પ્રમુખો, શિક્ષણ સમિતિના અધ્યક્ષો સહિત અગ્રણીઓએ હાજરી આપી વિદ્યાર્થીઓને પ્રેરણા પૂરી પાડી.
ગુજરાતની ૩૩,૦૦૦ સરકારી પ્રાથમિક શાળાઓ, ૬૦૦૦ ગ્રાન્ટેડ શાળાઓ, ૧૧૦૦૦ સેલ્ફ ફાઇનાન્સ શાળાઓ, ૮૦૦ આશ્રમશાળાઓ તથા આદિજાતિ શાળાઓ આ મહત્ત્વાકાંક્ષી અભિયાન સાથે સંકળાઈ છે. સંગઠન દ્વારા રાજ્યપાલ, મુખ્યમંત્રી, આરોગ્ય મંત્રી, બંને શિક્ષણ મંત્રીઓ, સાંસદો અને ધારાસભ્યો સહિત ૧૫૦ થી વધુ આગેવાનોના શુભેચ્છા સંદેશ પ્રાપ્ત થયા છે.
આ સંકલ્પ અભિયાન દ્વારા શિક્ષણના કેન્દ્રને જીવંત તીર્થસ્થાન બનાવવાનું વિઝન રજૂ થયું છે. પ્રથમ તબક્કામાં ગુજરાત રાજ્યની ૧૦૦૦ શાળાઓના શિક્ષકો તથા આચાર્યોને જોડીને “આપણું વિદ્યાલય આપણું તીર્થ” અભિયાનની શરૂઆત કરવામાં આવી છે.
અહેવાલ : જગદીશ યાદવ, જૂનાગઢ