ગુજરાતમાં MSME ક્ષેત્રને રાજ્ય સરકારનો મોટો ટેકો: છેલ્લા ૫ વર્ષમાં ૧.૩૦ લાખથી વધુ એકમોને રૂ. ૭,૮૬૪ કરોડથી વધુની સહાય

જુનાગઢ, તા. 16 મે:
ગુજરાત રાજ્ય સરકારે સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગ (MSME) ક્ષેત્રને પ્રોત્સાહન આપવા માટે છેલ્લા પાંચ વર્ષમાં કુલ ૧.૩૦ લાખ જેટલા MSME એકમોને રૂ. ૭,૮૬૪ કરોડ કરતાં વધુની સહાય આપીને ઉદ્યોગક્ષેત્રમાં નોંધપાત્ર વૃદ્ધિ હાંસલ કરી છે. આ પ્રગતિ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના “વિકસિત ભારત @ ૨૦૪૭” દ્રષ્ટિકોણને વધુ મજબૂત બનાવતી સાબિત થઈ રહી છે.

રાજ્યમાં ૨૦૨૦-૨૧થી ૨૦૨૪-૨૫ સુધીમાં વિવિધ સહાય યોજનાઓ હેઠળ MSME એકમોને કેપિટલ ઇન્વેસ્ટમેન્ટ સબસીડી, વ્યાજ સહાય સહિત અનેક સહાય આપવામાં આવી છે. આ સાથે જ ગુજરાતમાં ૮૯ હજારથી વધુ ZED સર્ટિફાઇડ MSME એકમોનું રજિસ્ટ્રેશન થયું છે, જે સમગ્ર દેશમાં સૌથી વધુ છે.

રાજ્યની નવી ઔદ્યોગિક નીતિ હેઠળ મેન્યુફેકચરીંગ ક્ષેત્રને પ્રોત્સાહન આપવા ૭૫% સુધી સહાય પણ આપવામાં આવે છે, જેમાં રાજ્ય, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય એકઝીબિશન્સમાં ભાગ લેવા માટે આવશ્યક ખર્ચ માટે રૂ. ૫૦ હજારથી લઈને ૫ લાખ સુધી સહાય મળે છે.

રાજ્યના તમામ જિલ્લાઓમાં ગુણવત્તા યાત્રા અને ‘વાઇબ્રન્ટ ગુજરાત-વાઇબ્રન્ટ ડિસ્ટ્રિક્ટ’ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવી રહ્યું છે, જેના માધ્યમથી સ્થાનિક ઉદ્યોગોને આગળ વધારવા અને ઉત્પાદનને ઓળખ અપાવવા પ્રયત્નો થઈ રહ્યા છે.

મુંબઇમાં કાર્યરત ૬ Regional MSEFC કાઉન્સિલ દ્વારા વિલંબિત ચુકવણી સંબંધિત ૧૦૮૧ કેસોનું નિરાકરણ કરવામાં આવ્યું છે, જેથી MSME એકમોને ન્યાયની ઝડપી સુવિધા મળે છે.

ગુજરાતમાં MSME સેક્ટરના વધુ વિકાસ માટે વ્યાજ સહાય, કેપિટલ સહાય અને CGTMSE સહાય હેઠળ કુલ લાખોની સહાય આપવામાં આવી છે, જેનાથી અનેક ઉદ્યોગોએ આર્થિક તંગીમાંથી બહાર આવી સફળતા મેળવી છે.

MSME કેટેગરીઝનું વર્ણન:

  • સૂક્ષ્મ એકમ: રૂ. ૨.૫ કરોડ મૂડી રોકાણ અને રૂ. ૧૦ કરોડ ટર્નઓવર સુધી
  • લઘુ એકમ: રૂ. ૨૫ કરોડ મૂડી રોકાણ અને રૂ. ૧૦૦ કરોડ ટર્નઓવર સુધી
  • મધ્યમ એકમ: રૂ. ૧૨૫ કરોડ મૂડી રોકાણ અને રૂ. ૫૦૦ કરોડ ટર્નઓવર સુધી

આ સિદ્ધિઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિકાસમાર્ગે ગુજરાતની પ્રતિબદ્ધતાને દર્શાવે છે અને રાજ્યને ઉદ્યોગક્ષેત્રમાં અગ્રણી બનાવવામાં મહત્વપૂર્ણ યોગદાન આપી રહી છે.

અહેવાલ : નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ, જૂનાગઢ