ગુજરાત રાજ્ય બાળ અધિકાર સંરક્ષણ આયોગના અધ્યક્ષશ્રી ધર્મિષ્ઠાબેન ગજજરે બનાસકાંઠા જિલ્લાની મુલાકાત લીધી

ગુજરાત રાજ્ય બાળ અધિકાર સંરક્ષણ આયોગના અધ્યક્ષશ્રી ધર્મિષ્ઠાબેન ગજજરે આજે બનાસકાંઠા જિલ્લાની મુલાકાત લીધી હતી. જે અંતર્ગત જિલ્લાના બાળ અધિકાર સંબંધિત તમામ કચેરીઓના અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક તેમજ જુવેનાઈલ એકટ હેઠળની સંસ્થાઓ તથા બાળકો સંબંધિત સરકારી સંસ્થાઓની મલાકાત પણ લીધી હતી.

જિલ્લા કલેકટરશ્રી મિહિર પટેલ સાથે જિલ્લાની મુલાકાતે આવેલા ગુજરાત રાજ્ય બાળ અધિકાર સંરક્ષણ આયોગના અધ્યક્ષશ્રી ધર્મિષ્ઠાબેન ગજ્જરએ કલેક્ટર કચેરી, પાલનપુર ખાતે સબંધિત અધિકારીઓ સાથે બેઠક યોજી હતી.આ સમીક્ષા બેઠકમાં જિલ્લાના વિવિધ વિભાગોની મીટીંગ અને પ્રેઝન્ટેશન રજૂ કરાયું હતું. આ તકે તેમણે જણાવ્યું હતું કે, બાળકોને સ્વસ્થ, સુરક્ષિત અને તંદુરસ્ત વાતાવરણ મળે તેવા સૌ સહિયારા પ્રયત્નો કરવા જોઈએ. આ બેઠકમાં અધ્યક્ષશ્રીએ આરોગ્ય, શિક્ષણ, સંકલિત બાળ વિકાસ યોજના ,જિલ્લા શ્રમ આયુક્ત અધિકારીશ્રી, જિલ્લા બાળ લગ્ન પ્રતિબંધક અધિકારીશ્રી તેમજ સમાજ સુરક્ષા અધિકારીશ્રી, જિલ્લા પુરવઠા અધિકારીશ્રી, જિલ્લા શિક્ષણ અધિકારીશ્રી વગેરે બાળ અને મહિલા વિભાગ સાથે સંકળાયેલ વિવિધ કચેરીઓની કામગીરીની માહિતી મેળવી હતી તેમજ સર્વ અધિકારીશ્રીઓને વિવિધ સૂચનો કર્યા હતા.

અધ્યક્ષશ્રીએ આ તકે બાળકોના હિતને ધ્યાને લઈ બાળકોને મળતા અધિકારો અને રક્ષણના કાયદા સંદર્ભે અનુરોધ કર્યો હતો કે બનતો પ્રયત્ન કરીએ કે બાળકોને શ્રેષ્ઠ જીવન ધોરણ અને વાતાવરણ ઉપલબ્ધ કરાવી શકીએ.આ સાથે તેમણે આશ્રમશાળા, વિરપુર, આંગણવાડી કેન્દ્ર ધનિયાણા ચોકડી, દિવ્યાંગ બાળકોની શાળા, મમતા મંદિર, સખી વન સ્ટોપ સેન્ટર, કે.મા.ચોકસી સરકારી શાળા, સરકારી હોસ્પિટલ, બાળ સંભાળ ગૃહ ચિલ્ડ્રન હોમ,પાલનપુરની મુલાકાત લઈને સંબંધિત અધિકારીશ્રીઓ તેમજ કર્મચારીઓ સાથે કામગીરીની માહિતી મેળવી હતી અને જરૂરી સૂચનો મેળવી બાળકો માટે હિતકારી કામગીરી કરવા માટે સૌને અનુરોધ કર્યો હતો. આ બેઠકમાં અધિક કલેકટરશ્રી સી.પી.પટેલ સહિત સબંધિત વિભાગના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

અહેવાલ:- બ્યુરો,(પાલનપુર)