ગતજુલાઈ-ઓગસ્ટ-સપ્ટેમ્બર માસમાં થયેલા ભારે વરસાદમાં અસરગ્રસ્ત ખેડૂતોને માત્ર દોઢ મહિનામાં જ સહાય ચૂકવાઇ: કૃષિ મંત્રી શ્રી રાઘવજી પટેલ રાજ્યના અન્નદાતાની ઉન્નતિ એ હરહંમેશથી ગુજરાત સરકારનો મુખ્ય નિર્ધાર રહ્યો છે. ખેડૂતોની આવકમાં વધારો થાય, ખેડૂતો સમૃદ્ધ અને આત્મનિર્ભર બને તેવા શુભ આશયથી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ અનેકવિધ ખેડૂતલક્ષી યોજનાઓ અમલમાં મૂકીને ખેડૂતો પ્રત્યે સરકારની દ્રઢ પ્રતિબધ્ધતા દર્શાવી છે.
વડાપ્રધાનશ્રીએ શરૂ કરેલા આ અનુક્રમને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલના નેતૃત્વ હેઠળની રાજ્ય સરકારે મક્કમતા પૂર્વક જાળવી રાખ્યો છે, તેમ કૃષિ મંત્રી શ્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું. કૃષિ મંત્રીશ્રીએ વધુમાં ઉમેર્યું કે, રાજ્યના ખેડૂતો ઉપર આવતી કોઈપણ સમસ્યામાં સરકાર તેમની પડખે ઊભી છે, તેવો દ્રઢ વિશ્વાસ રાજ્યના ખેડૂતોમાં કેળવાયો છે. ચાલુ વર્ષે જુલાઈ, ઓગસ્ટ અને સપ્ટેમ્બર માસમાં વરસેલા ભારે વરસાદમાં રાજ્યના અનેક ખેડૂતોના પાકને વ્યાપક નુકશાન થયું હતું. આવા કપરા સમયે ખેડૂતોની સંવેદના સમજીને રાજ્ય સરકારે તાત્કાલિક સર્વે કરીને અસરગ્રસ્ત ખેડૂતો માટે કૃષિ રાહત પેકેજ જાહેર કર્યું હતું.
મંત્રી શ્રી પટેલે આનંદ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, કૃષિ રાહત પેકેજ જાહેર કર્યા બાદ રાજ્ય સરકારે અસરગ્રસ્ત ખેડૂતો ફરી વાવેતર કરી શકે તે માટે તાત્કાલિક ધોરણે સહાય ચૂકવણા કરવાનું વચન આપ્યું હતું. આજે ગુજરાત સરકારે ખેડૂતોને આપેલા એ વચનને પરિપૂર્ણ કર્યું છે. માત્ર દોઢ મહિનાના સમયગાળામાં જ રાજ્ય આશરે ૭.૧૫ લાખથી વધુ ખેડૂતોને કુલ રૂ. ૧૩૭૨ કરોડથી વધુ સહાય સીધી તેમના બેંક ખાતામાં ચૂકવી દેવામાં આવી છે.
અહેવાલ : નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ (જૂનાગઢ)