ગુજરાત સ્થાપના@75: ડિઝાઇન કરો લોગો અને જીતો રૂ.3 લાખનું ઇનામ.

ગુજરાત રાજ્યની સ્થાપનાના 75 વર્ષ પૂર્ણ થવાના ઐતિહાસિક અવસરે ગુજરાત સરકાર દ્વારા “ગુજરાત@75” લોગો ડિઝાઇન સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. આ સ્પર્ધા માટે રાજ્ય સરકાર અને MyGovIndia પોર્ટલના સહયોગથી રાષ્ટ્રીય સ્તરે નાગરિકો માટે અનોખો મોકો આપવામાં આવ્યો છે.

मुख्यमंत्री ભુપેન્દ્ર પટેલે આ સ્પર્ધાનો ઈ-પ્રારંભ કર્યો હતો. સ્પર્ધાનો મુખ્ય હેતુ ગુજરાતની ભવ્ય યાત્રા, ટેક્નોલોજીકલ ઉન્નતિ, સાંસ્કૃતિક સમૃદ્ધિ અને લોકકેન્દ્રિત શાસનને દર્શાવતા સર્જનાત્મક લોગોની મદદથી “ગુજરાત@75” ને આગવી ઓળખ આપવાનો છે.

લોગો ડિઝાઇનના આવેદન માટે નાગરિકો તા. 28 જુલાઈથી 14 ઓગસ્ટ સુધી MyGovIndia ની આ લિંક પર લોગો સબમિટ કરી શકશે.

સ્પર્ધામાં પ્રથમ નંબરનો લોગો રૂ. 3 લાખના પુરસ્કારનો હકદાર બનશે. ઉપરાંત પ્રથમ પાંચ સ્પર્ધકોને મુખ્યમંત્રીશ્રીના હસ્તે પ્રમાણપત્ર આપીને સન્માનિત કરવામાં આવશે.

ગુજરાત@75 થીમ “વાઇબ્રન્ટ હેરીટેજ, વિઝનરી ફ્યુચર” સાથે લોકોની ભાગીદારીથી રાજ્યના ઇતિહાસ અને વિકાસને દર્શાવતું લોગો મળવા સરકાર આશાવાદી છે.

ગુજરાતના વારસા, સંસ્કૃતિ અને વિકાસના પ્રતિકરૂપ લોગો દ્વારા ગુજરાત સ્થાપનાના 75 વર્ષનો મહોત્સવ લોકભાગીદારીથી ઉજવવા રાજ્ય સરકારે અનોખી પહેલ હાથ ધરી છે.

આ અવસરે મુખ્ય સચિવ પંકજ જોશી, મુખ્યમંત્રીના સલાહકાર હસમુખ અઢિયા, અધિક મુખ્ય સચિવ એમ.કે. દાસ સહિત વરિષ્ઠ સચિવો ઉપસ્થિત રહ્યા હતા.


અહેવાલ: નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ, જૂનાગઢ