અમદાવાદ: ગુજરાત એન્ટી ટેરરિઝમ સ્ક્વોડ (ATS) ને એક મોટી સફળતા મળી છે. ATS એ ફરીદાબાદ એસટીએફની સાથે સંકલન કરીને એક શંકાસ્પદ વ્યક્તિની ધરપકડ કરી છે. મળતી માહિતી અનુસાર, આ વ્યક્તિનું નામ અબ્દુલ રહેમાન છે અને તે ઉત્તર પ્રદેશ (યૂપી) નો રહેવાસી છે. તેની પાસેથી બે હેન્ડ ગ્રેનેડ મળી આવ્યા છે, જે સુરક્ષા એજન્સીઓ દ્વારા ડિફ્યૂઝ કરી દેવાયા છે.
રામ મંદિર પર હુમલાનું કાવતરું શંકાસ્પદની પૂછપરછ દરમિયાન ખુલાસો થયો કે તે રામ મંદિર પર હુમલાનું કાવતરું રચી રહ્યો હતો. અબ્દુલ રહેમાન પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી ISI સાથે સંપર્કમાં હતો અને તે અયોધ્યામાં રામ મંદિરની વારંવાર રેકી કરી ચૂક્યો હતો. તેણે મળેલી તમામ માહિતી ISI સાથે શેર કરી હતી. સૂત્રો અનુસાર, તે ફૈઝાબાદમાં મટનની દુકાન ચલાવતો હતો અને ઓટો ડ્રાઈવર તરીકે પણ કામ કરતો હતો.
ફરીદાબાદમાં હેન્ડ ગ્રેનેડની પુષ્ટિ તપાસમાં જાણવા મળ્યું કે અબ્દુલ રહેમાન ટ્રેન દ્વારા ફૈઝાબાદથી ફરીદાબાદ પહોંચ્યો હતો. ત્યાં તેણે એક હેન્ડલર પાસેથી બે હેન્ડ ગ્રેનેડ લીધા હતા અને તે એ લઇને અયોધ્યા પરત જવાનો હતો.
ATS અને STF ની સંયુક્ત કાર્યવાહી કેન્દ્રીય એજન્સીઓ પાસેથી મળેલા ઇનપુટ્સના આધારે, ગુજરાત ATS અને ફરીદાબાદ STF એ તેની ધરપકડ કરી. પૂછપરછ દરમિયાન, તેની પાસેથી મળેલી માહિતીના આધારે, એજન્સીઓએ ફરીદાબાદના પાલી વિસ્તારમાં એક ખંડેરમાં સઘન તપાસ કરી હતી. ત્યાંથી બે જીવતા હેન્ડ ગ્રેનેડ મળી આવ્યા, જેને તુરંત જ ડિફ્યૂઝ કરી દેવામાં આવ્યા.
સંપૂર્ણ નેટવર્કની તપાસ ચાલુ અત્યારે, ગુજરાત ATS અને અન્ય ગુપ્તચર એજન્સીઓ અબ્દુલ રહેમાન સાથે જોડાયેલા અન્ય લોકોની શોધખોળ કરી રહી છે. આ ગુનાહિત નેટવર્કના અન્ય સભ્યોની ધરપકડ માટે પણ કાર્યવાહી થઈ રહી છે.
સુરક્ષા એજન્સીઓના આ કાર્યવાહીથી એક મોટો આતંકી હૂમલો નિષ્ફળ થયો છે અને રામ મંદિરની સુરક્ષા વધુ મજબૂત કરવામાં આવી છે.
અહેવાલ :- ઉમેશ ઠાકોર (બનાસકાંઠા)