ગોંડલ – રાજકોટ:
શહેરમાં ચર્ચાનું કેન્દ્ર બની ગયેલા હનીટ્રેપ કૌભાંડ મામલે ગોંડલ બી ડિવિઝન પોલીસે કાર્યવાહી તીવ્ર બનાવી છે. આ સંદર્ભે પોલીસે મુખ્ય મહિલા આરોપી પદ્મીનીબા સહિત કુલ ચાર આરોપીઓને ઝડપી લીધા છે. જોકે ધરપકડ બાદ પણ પોલીસે મીડિયા સાથે કોઈ વિગતો વહેંચવાની જરૂરિયાત સમજતા મિડિયાને દૂર રાખવાની નીતિ અપનાવી છે.
પ્રાપ્ત વિગતો મુજબ, હનીટ્રેપ કેસમાં ફરિયાદી અને પદ્મીનીબાની વચ્ચેની મોબાઈલ ટોકની ક્લિપ્સ સોશિયલ મીડિયામાં વાયરલ થતા ઘટના વધુ ચર્ચાસ્પદ બની હતી. સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા રેકોર્ડિંગ બાદ ગોંડલ પીઆઇ એ.સી. ડામોરની ટીમે ચક્રો ગતિમાન કરતાં પદ્મીનીબાની ધરપકડ કરવામાં આવી.
ઘટનાની વધુ ગંભીરતા એ છે કે, અગાઉ પદ્મીનીબાએ પોતે મીડિયા સમક્ષ નિવેદન આપ્યું હતું, છતાં હવે પોલીસ મીડિયાને સાઈડલાઈન કરે છે, જેના કારણે સ્થાનિક પત્રકારોમાં નારાજગી જોવા મળી રહી છે. પત્રકારોને ઘટનાની કોઈ વિગતો મળતી ન હોવાની પણ ફરિયાદ ઉઠી છે.
હવે જોવું રહ્યું કે પોલીસે વધુ કેટલી વિગતો જાહેર કરે છે અને આ હનીટ્રેપ કેસમાં બીજાં કેટલાં ચહેરા બહાર આવે છે.
અહેવાલ: [વિમલ સોંદરવા] | સ્થાન: ગોંડલ, રાજકોટ