ગોંડલ: ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં આજે એક ઐતિહાસિક દિવસ સાબિત થયો છે, કારણ કે યાર્ડમાં ચણાની આવકનો રેકોર્ડ તૂટી ગયો છે. કુલ 1.75 લાખથી વધુ ચણાના કટ્ટાઓની આવક થઈ છે, જે અત્યાર સુધીની સૌથી વધુ નોંધાયેલ આવક છે.
માર્કેટિંગ યાર્ડના વાઇસ ચેરમેન ધર્મેન્દ્રસિંહ જાડેજા એ માહિતી આપતા જણાવ્યું કે, “આ રેકોર્ડબ્રેક આવકથી ખેડૂતોએ પણ ઉત્સાહ દર્શાવ્યો છે. ચણાની આવકને સરળ અને વ્યવસ્થિત બનાવવામાં આવી છે જેથી ખેડૂતોને લાઇનમાં ઊભા રહેવું ન પડે.”
યાર્ડ દ્વારા 2,000થી વધુ વાહનોને ટોકન આપી વ્યવસ્થિત વ્યવહાર કરાયો, અને વેપાર ધબકતો રહ્યો. ચણાના ભાવ 1000 થી 1100 રૂપિયા દર 20 કિલો પ્રમાણે મળ્યા હતા, જે ખેડૂતો માટે સંતોષજનક ગણવામાં આવે છે.
આ આવક માત્ર ગોંડલ કે આસપાસના વિસ્તારોની નહોતી, પરંતુ પોરબંદર, ગીર સોમનાથ, બોટાદ, જામનગર જેવા જિલ્લાઓમાંથી ખેડૂતો માલ લઈને પધાર્યા હતા.
ચણાની આવકમાં સતત વધારો થતાં આવકને થોડા સમય માટે સ્થગિત કરવાની જાહેરાત યાર્ડના સત્તાવાળાઓએ કરી છે. આગામી સૂચના સુધી નવી આવક સ્વીકારવામાં આવશે.
અહેવાલ : વિમલ સોંદરવા, રાજકોટ