ગોરખપુર સ્ટેશન પર નોન-ઇન્ટરલોકીંગ કાર્યના કારણે પોરબંદર-મુઝફ્ફરપુર એક્સપ્રેસના રૂટમાં ફેરફાર, યાત્રીઓએ આયોજનમાં લાવવો બદલાવ!

જૂનાગઢ: પૂર્વોત્તર રેલવેના ગોરખપુર વિભાગ હેઠળના કુસમ્હી, ગોરખપુર અને ગોરખપુર કેન્ટ સ્ટેશનો વચ્ચે ત્રીજી લાઈનમાં ચાલી રહેલા નોન-ઇન્ટરલોકીંગ કાર્યને પગલે પોરબંદર-મુઝફ્ફરપુર વચ્ચે દોડતી ટ્રેન નંબર 19269 અને 19270ના રૂટમાં તાત્કાલિક અસરથી ફેરફાર કરવામાં આવ્યો છે.

ભાવનગર રેલવે ડિવિઝનના ડિવિઝનલ કોમર્શિયલ મેનેજર શ્રી અતુલ કુમાર ત્રિપાઠી દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, ટ્રેન નંબર 19269 પોરબંદર-મુઝફ્ફરપુર એક્સપ્રેસ 24 એપ્રિલ, 25 એપ્રિલ, 1 મે અને 2 મે 2025ના રોજ તેના પરંપરાગત રૂટ બદલે ગોરખપુર કેન્ટ-ભટની જંકશન-છપરા ગ્રામિણ-મુઝફ્ફરપુર જં. માર્ગે દોડશે.

તે જ રીતે ટ્રેન નંબર 19270 મુઝફ્ફરપુર-પોરબંદર એક્સપ્રેસ 27 એપ્રિલ અને 28 એપ્રિલના રોજ મુઝફ્ફરપુર જં.-છપરા ગ્રામિણ-ભટની જં.-ગોરખપુર કેન્ટ માર્ગે દોડશે, જ્યારે તેના નિયમિત રૂટ મુઝફ્ફરપુર જં.-નરકટિયાગંજ-પનિયાહવા-ગોરખપુર કેન્ટ છે.

રેલવે વિભાગ દ્વારા યાત્રીઓની સુરક્ષા અને કાર્યની યોગ્યતા માટે આ પગલાં લેવામાં આવ્યા છે. યાત્રીઓને વિનંતી છે કે તેઓ તેમના મુસાફરીના આયોજન પહેલા બદલાયેલા રૂટને ધ્યાનમાં રાખે અને વધુ માહિતી માટે રેલવેની અધિકૃત વેબસાઈટ www.enquiry.indianrail.gov.in પર તપાસ કરે.

અહેવાલ:
નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ, જૂનાગઢ