ચાર વર્ષથી ફરાર પકડ વોરંટના આરોપીને જુનાગઢ એ.ડી.વિઝન પોલીસ સ્ટેશને ઝડપી પાડ્યો.

જુનાગઢ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાને મજબૂત બનાવવા અને જુના ગુનાહિત કેસોમાં નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડવા માટે પોલીસ તંત્ર સતત ચાંપતી નજર રાખી કાર્યરત છે. ગુજરાત પોલીસના કડક માર્ગદર્શન હેઠળ જુનાગઢ રેન્જના પોલીસ મહાનિરીક્ષક શ્રી નિલેશભાઈ જાંજડીયા સાહેબ તથા જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી સુબોધભાઈ ઓડેદરા સાહેબના સૂચનથી અને ડીવાયએસપી શ્રી હિતેષભાઈ ધાંધલ્યાની દેખરેખ હેઠળ જુનાગઢ એ.ડી.વિઝન પોલીસ સ્ટેશને એક નોંધપાત્ર કામગીરી આજરોજ હાથ ધરી છે.

તહેવાર હોય કે રજાનો દિવસ, આરોપી કે આરોપીની જગ્યા બદલાતી હોય, પણ જુનાગઢ પોલીસ તેની જવાબદારીથી કદી પાંખી નથી. તેવા જ ઉદાહરણરૂપ, છેલ્લા ચાર વર્ષથી નામદાર સેશન કોર્ટ દ્વારા પકડ વોરંટ જાહેર કરેલ છતાં પોલીસને હાથ ન લાગતો આરોપી અક્ષય રાજુભાઈ મકવાણા – રહે. જુનાગઢ, સદગુરુ માર્બલ પાસે, પંચેશ્વર રોડ, બોર્ડિંગ વાસ – હાલ રહે. પાળિયાદ, જી.બોટાદ – ને પો.સ્ટે. એડીવિઝનના સજાગ અને સતર્ક સ્ટાફ દ્વારા ઝડપી પાડવામાં આવ્યો છે.

આરોપી સામે ચાર્જશીટ નં. SC/16/2015 મુજબ નીચેના ગુનાઓ નોંધાયેલા હતા:
🔹 પબ્લિક ડેમેજ પ્રોપર્ટી એક્ટ
🔹 IPC કલમ 143 (ગેરકાયદેસર સભા), 147 (હુલ્લડગિરી), 148 (હથિયાર સાથે દંગો), 186 (સરકારી કર્મચારીના કાર્યમાં બાધા),
🔹 307 (હત્યાના પ્રયાસ), 323, 333, 337 (શારીરિક ઈજા), 504 (ઉપદ્રવજનક પ્રવૃત્તિ),
🔹 તથા G.P.Act કલમ 135 (હથિયાર રાખવા અંગે)

આરોપી પોતાનું મકાન ખાલી કરીને વારંવાર સ્થળ બદલી છુપાતો રહ્યો હતો જેથી પોલીસે પણ વારંવાર સ્થળ તપાસો કરી હતી. ત્યારપછી પો.હેડ.કોન્સ. સંદીપભાઈ લબ્ધરને આરોપી ફરી જૂનાગઢ આવેલ છે એવી ચોક્કસ બાતમી મળતા, તેમણે પો.ઇન્સ્પેક્ટર શ્રી આર.કે. પરમારના માર્ગદર્શન હેઠળ ટીમ સાથે તત્કાલ સ્થળ પર દરોડો પાડી આરોપીને ઝડપી પાડ્યો હતો.

આ કામગીરી દરમિયાન પો.સ્ટાફમાંથી પો.હેડ.કોન્સ. સંદીપભાઈ લબ્ધર, કિશોરભાઈ અખેડ, પો.કોન્સ. રઘુવીર વાળા તથા દિનેશભાઈ ભાટુનો પણ નોંધપાત્ર ફાળો રહ્યો છે. આરોપીની ધરપકડ બાદ તે સામેના વોરંટની કાર્યવાહી પૂરી કરીને નામદાર કોર્ટ સમક્ષ રજૂ કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.

જુનાગઢ પોલીસે આ નોંધપાત્ર કામગીરીથી ફરી એકવાર સાબિત કર્યું છે કે કેસો જૂના હોય કે નવા – ફરાર આરોપીઓ પોલીસના ન્યાયના હાથે બચી શકે તેમ નથી.

અહેવાલ : નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ, જુનાગઢ