ચીખલી.
ચીખલી તાલુકાના દેગામમાં નીતિ નિયમો નેવે મૂકી કંપનીનો કચરો ખેતરોની વચ્ચે ખુલ્લી જગ્યામાં ઠલવાતા ગંદકી ફેલાવા સાથે જમીનની ફળદ્રુપતા જોખમાય તેવી સ્થિતિ સર્જાઇ છે. દેગામ સ્થિત કંપનીનો કચરો ઘણાં સમયથી ગામમાં જ કોઈપણ જાતના નીતિ નિયમોની પરવા કર્યા વિના બિન્દાસપણે ખેતરોની વચ્ચેની ખાનગી માલિકીની ખુલ્લી જગ્યામાં ઠાલવાઇ રહ્યો છે. આ કચરો જ્યાં નાંખવામાં આવી રહ્યો છે તે સમગ્ર વિસ્તારમાં આંબાવાડી સાથે મોટાપાયે શેરડીની ખેતી ખેડૂતો કરી રહ્યાં છે.
આમ લીલાછમ ખેતરોથી ઘેરાયેલા વિસ્તારમાં કંપનીનો કચરો ઠાલવતા ગંદકી સાથે પ્રદુષણ પણ ફેલાઇ રહ્યું છે. દેગામમાં આ સ્થળે વિવિધ પ્રકારના પ્લાસ્ટિક સહિતનો કચરો નાંખવામાં આવી રહ્યો છે. તે આસપાસના ખેતરોમાં પણ પવનમાં ઉડીને જતા ખેતીપાકને નુકસાન સાથે ઉત્પાદન પર વિપરીત અસર થવાની શકયતા જણાઈ રહી છે.
વધુમાં આ રીતે કંપનીના વેસ્ટજના નિકાલથી આવનાર સમયમાં જમીનની ફળદ્રુપતા ઘટવાનું પણ જોખમ તોળાઈ રહ્યું છે. દેગામમાં કંપની દ્વારા જાહેરમાં સ્થાનિક કોતરમાં કેમિકલ યુક્ત કલરવાળું પાણી છોડવા ઉપરાંત કચરો પણ આ રીતે વાડી-ખેતરવાળા વિસ્તારમાં નાંખવામાં આવી રહ્યો છે તેવામાં આવનાર દિવસોમાં સ્થાનિકોની મુશ્કેલીમાં વધારો થાય તો નવાઈ નહીં..
જોકે સમગ્ર મામલે ગ્રામ પંચાયતને પણ ગંભીરતા ન હોય તેમ લાગી રહ્યું છે ત્યારે જિલ્લાના ઉચ્ચાધિકારીઓ દ્વારા સમગ્ર બાબતે સક્રિયતા દાખવી સ્થાનિક કોતરમાં પાણી છોડવાનું અને આ રીતે જાહેરમાં કચરો ઠાલવવાનું બંધ કરાવવા પગલાં ભરવામાં આવે તે જરૂરી છે.
અહેવાલ -વિશાલ પટેલ, ખેરગામ