ખેરગામ તાલુકો બન્યા અને 10 કરતાં પણ વધુ વર્ષ થઈ ગયાં હોવા છતાં તમામ વહીવટ ચીખલી એપીએમસીના હાથમાં!
ખેરગામ: ખેરગામ એપીએમસીનો મુદ્દો હવે ધીમે ધીમે વધુ વિવાદ પકડતો જઈ રહ્યો છે. ખેરગામ તાલુકો અલગ બન્યા ને 10 થી વધુ વર્ષ થઈ ગયા હોવા છતાં પણ તમામ વ્યવહાર ચીખલી એપીએમસી દ્વારા જ કરવામાં આવી રહ્યો છે. જેને કારણે પોતાના પ્રશ્નો રજૂ કરવા માટે ખેરગામ તાલુકાના ખેડૂતોને છેક ચીખલી સુધી જવું પડતુ હોઈ છે. કારણકે અહીં કોઈ ખેડૂત વિભાગનું સાંભળનાર જ નથી. આ મુદ્દે અગાઉ પણ સરકારના વિવિધ વિભાગો સુધી રજૂઆત પણ થઈ ચૂકી છે. પરંતુ કોઈ ચોક્કસ ઉકેલ નહીં આવતાં ખેરગામ તાલુકા કોંગ્રેસ સમિતિએ ખેડૂતોના હિતમાં ખેરગામ મામલતદારને રજૂઆત કરી છે. જેમાં આ પ્રશ્નનું ઝડપી નિરાકરણ લાવી ચીખલી એપીએમસીમાંથી ખેરગામ સબ યાર્ડને એપીએમસીને અલગ દરજ્જો આપવા માંગ કરવામાં આવી છે.
ખેરગામ તાલુકા કોંગ્રેસ સમિતિએ મામલતદારને આવેદનપત્ર આપ્યું.
ખેરગામ તાલુકો ૯૦ % આદિવાસી જનસંખ્યા ધરાવતો તાલુકો છે. અહીં નાના અને સીમાંત ખેડૂતો ખેત ઉત્પાદન કરીને પોતાનું ગુજરાન ચલાવે હોઈ છે. અહીં મોટા ભાગના ખેડૂતો શાકભાજી અને ફળપાકોનું ઉત્પાદન કરે છે. જો કે, ખેરગામ તાલુકો વિભાજન થવાને લગભગ દસ વર્ષ થવા છતાં સરકારની નીતિ મુજબ એક તાલુકાને એક એ.પી.એમ.સી.ની નીતિનો અહીં અમલ થતોજ નથી.જ્યારે પણ એપીએમસીનો પ્રશ્ન રજૂઆત થાય છે ત્યારે કોઈ ને કોઈ મુદ્દે મામલો શાંત થઈ જાય છે. બીજી હકીકત એ પણ છે કે, ખેરગામ વિભાગમાં ખેડૂતો તરફથી પોતાના પ્રતિનિધિનો જ અભાવ છે. જેને કારણે શાકભાજી અને ફળોનું ઉત્પાદન કરતા ખેડૂતોની ખો નીકળી રહી છે. પોતાના પાયાના પ્રશ્નો કોને રજૂ કરવા? એ સૌથી મોટો પ્રશ્ન છે.ખેરગામ તાલુકામાં ચીખલી સંચાલિત માર્કેટ યાર્ડનું સબ યાર્ડ ખેરગામ ખાતે આવેલ છે અને અહીં લગભગ ૧૦૦ જેટલી દુકાનો આવેલી છે. અદ્યતન માર્કેટ યાર્ડમાં જરૂરી સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે. આજુબાજુનાં ગામોથી આખા વર્ષ દરમિયાન શાકભાજી, કેરી અને અન્ય પાકોનો ખરીદ વેચાણનો મોટો વ્યાપાર થતો આવ્યો છે.
આમ, ચીખલી તાલુકાથી ખેરગામની સબ માર્કેટ વિભાજન કરી ચીખલીથી અલગ એ.પી.એમ.સી.નો દરજજો પ્રાપ્ત થાય તો ખેરગામને વિકાસને સાનુકૂળ તકો પ્રાપ્ત થાય અને માર્કેટનો વિકાસ કરી ખેડૂતોની આવકમાં વધારો કરી શકાય. ખેરગામ વિસ્તારના ખેડૂતોની માંગ બાબતે ખેરગામ તાલુકા કોંગ્રેસ સમિતિએ ખેરગામ મામલતદારને લેખિત રજૂઆત કરી હતી.
આ પ્રસંગે નવસારી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ શૈલેષભાઈ પટેલ, નવસારીના પ્રભારી કિશનભાઇ પટેલ, ખેરગામ તાલુકા કોંગ્રેસ પ્રમુખ શશીનભાઈ પટેલ, ઈશ્વરભાઈ પટેલ, નેહલ પટેલ, પુરવ તલાવિયા, ધર્મેશ પટેલ સહિત કોંગ્રેસના કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
અહેવાલ -વિશાલ પટેલ, ખેરગામ