
જૂનાગઢ, તા. ૧ મે, ૨૦૨૫
ભારતના ચૂંટણી પંચે મતદાર યાદી વધુ ક્ષતિરહિત અને અદ્યતન બને તે દિશામાં ત્રણ મહત્વપૂર્ણ નવી પહેલ શરૂ કરી છે. આ પહેલના અમલથી ચૂંટણી પ્રક્રિયા વધુ પારદર્શક અને મતદારો માટે સુલભ બનશે.
મૃત્યુ નોંધણીની માહિતીનો ઉપયોગ:
ચૂંટણી પંચ હવે રજિસ્ટ્રાર જનરલ ઓફ ઇન્ડિયા પાસેથી મળતી મૃત્યુ નોંધણીની માહિતીના આધારે અવસાન પામેલ મતદારોના નામ યાદીમાંથી દૂર કરવાની પ્રક્રિયા શરૂ કરશે. બૂથ લેવલ ઑફિસરો (BLO) સ્થળ પર જઈ યોગ્ય પુષ્ટિ બાદ કાર્યવાહી કરશે.
વોટર ઈન્ફોર્મેશન સ્લિપનો નવો લુક:
મતદારોને તેમના મતદાન કેન્દ્ર અને વિગતો અંગે સ્પષ્ટ માહિતી મળે તે માટે હવે વોટર ઈન્ફોર્મેશન સ્લિપ (Voter Slip)ની ડિઝાઈન વધુ વોટર-ફ્રેન્ડલી બનાવવામાં આવશે. નવી સ્લિપમાં સીરિયલ નંબર અને પાર્ટ નંબર મોટા અને સ્પષ્ટ ફૉન્ટમાં હશે.
BLO માટે ફોટો ઓળખપત્ર:
મતદારોને પોતાના બૂથ લેવલ ઑફિસરને સરળતાથી ઓળખી શકે તે માટે દરેક BLOને ફોટો ઓળખપત્ર આપવામાં આવશે. મતદાર નોંધણી અને ચકાસણી અભિયાન દરમ્યાન તેઓ ઘરે જઈને કામગીરી કરશે ત્યારે નાગરિકોને તેમની ઓળખમાં સરળતા રહેશે.
આ નિર્ણયો તાજેતરમાં મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં લેવામાં આવ્યા હતા, જેમાં ચૂંટણી કમિશનર ડૉ. સુખબીર સિંહ સંધુ અને ડૉ. વિવેક જોશી પણ હાજર રહ્યા હતા.
ચૂંટણી પંચે સ્પષ્ટ રીતે જણાવ્યું છે કે તે સમગ્ર ચૂંટણી વ્યવસ્થાને વધુ જનમૈત્રી, વિશ્વસનીય અને સર્વસમાવેશી બનાવવાનું લક્ષ્ય રાખે છે.
📌 અહેવાલ: નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ, જૂનાગઢ