ચેમ્બર ઓફ કોમર્સના ઓફિસ બેરર્સે શ્રીલંકા એક્ષ્પોર્ટ ડેવલપમેન્ટ બોર્ડ (EDB)ના નેજા હેઠળ અગ્રણી એક્ષ્પોર્ટર્સ સાથે મુલાકાત કરી, એક્ષ્પોર્ટની વિપુલ તકો વિશે માહિતી મેળવી

સુરતઃ ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીના પ્રમુખ શ્રી વિજય મેવાવાલા, ઉપ પ્રમુખ શ્રી નિખિલ મદ્રાસી, તત્કાલિન નિવૃત્ત પ્રમુખ શ્રી રમેશ વઘાસિયા, માનદ્ મંત્રી શ્રી નિરવ માંડલેવાલા અને માનદ્ ખજાનચી શ્રી મૃણાલ શુક્લએ શ્રીલંકા એક્ષ્પોર્ટ ડેવલપમેન્ટ બોર્ડ (EDB)ના નેજા હેઠળ અગ્રણી એક્ષ્પોર્ટર્સ સાથે મુલાકાત કરી હતી.

ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ શ્રી વિજય મેવાવાલાએ પ્રાસંગિક પ્રવચન કર્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, ‘હાલમાં ભારત વિશ્વમાં દરેક ક્ષેત્રે અમૂલ્ય યોગદાન આપી રહ્યું છે અને દેશમાં એક્ષ્પોર્ટની વિપુલ તકો રહેલી છે. ભારતમાં સ્ટાર્ટ-અપને પ્રાધાન્ય આપવામાં આવતાં એક્ષ્પોર્ટરો માટે અનેક નવા સેક્ટર બન્યા છે. વિશ્વમાં ભારત એક હરણફાળ રીતે વિકાસ કરતો દેશ બનીને સામે આવ્યો છે, ત્યારે દેશમાં વેપાર-ઉદ્યોગ ક્ષેત્રે વિશાળ તકો ઉપલબ્ધ છે.’

ઉપ પ્રમુખ શ્રી નિખિલ મદ્રાસીએ શ્રીલંકાના એક્ષ્પોર્ટરો માટે ભારતમાં વિવિધ ક્ષેત્રે એક્ષ્પોર્ટ માટે રહેલી તકો વિશે વિસ્તૃત માહિતી આપી હતી. સાથે જ ભારતના એક્ષ્પોર્ટરો માટે મદદરૂપ બની રહે તેવા ક્ષેત્રો વિશે મેળવી હતી.

તત્કાલિન નિવૃત્ત પ્રમુખ શ્રી રમેશ વઘાસિયાએ વિશ્વના વિવિધ દેશો એક-બીજા સાથે સંલગ્ન થઈ કેવી રીતે વિકાસની દિશામાં વધુ કાર્ય કરી શકે તે વિશેનો ચિતાર આપ્યો હતો.

EDBના અધ્યક્ષ અને ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર મિ. મંગલા વિજેસિંઘે આ મિટીંગને બિરદાવી હતી, તેમણે શ્રીલંકાના વાઇબ્રન્ટ બિઝનેસ લેન્ડસ્કેપ વિશે વિસ્તૃત માહિતી આપી હતી. તેમણે ખાસ કરીને નિકાસના ક્ષેત્રમાં ભારત અને શ્રીલંકા વચ્ચે દ્વિપક્ષીય વેપાર વધારવાની સંભાવના પર ભાર મૂક્યો હતો.

આ મિટીંગમાં પરસ્પર વેપારની તકો શોધવા, વેપાર સહયોગને પ્રોત્સાહન આપવા અને બંને રાષ્ટ્રો માટે આર્થિક વિકાસને વેગ આપી શકે તેવા મુખ્ય ક્ષેત્રોને ઓળખવા પર ચર્ચા કેન્દ્રિત રહી હતી. આ મુલાકાત ભારત અને શ્રીલંકા વચ્ચે આર્થિક સંબંધોને મજબૂત કરવા અને વેપારી ભાગીદારી વિસ્તરણમાં એક મહત્વપૂર્ણ પગલું છે.

માનદ્ મંત્રી શ્રી નિરવ માંડલેવાલાએ યુવા ઉદ્યોગ સાહસિકો માટે શ્રીલંકામાં રહેલી એક્ષ્પોર્ટ અને રોકાણની વિવિધ તકો વિશે માહિતી મેળવી હતી. ચેમ્બરના માનદ્ ખજાનચી શ્રી મૃણાલ શુક્લએ આભાર વિધી કરી હતી, ત્યાર બાદ બેઠકનું સમાપન થયું હતું.