ચેમ્બર ઓફ કોમર્સના વર્ષ ર૦ર૪–રપના ઉપ પ્રમુખની ચૂંટણીમાં નિખિલ મદ્રાસીનો વિજય

સુરતઃ

ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના વર્ષ ર૦ર૪–રપ માટેના ઉપ પ્રમુખ પદ માટેની ચૂંટણીનું મતદાન રવિવાર, તા. ર૮/૦૪/ર૦ર૪ના રોજ સવારે ૦૯.૦૦ થી સાંજે ૦પ.૦૦ કલાક દરમિયાન સુરત ઇન્ટરનેશનલ એકઝીબીશન એન્ડ કન્વેન્શન સેન્ટર, સરસાણા, સુરત ખાતે રાખવામાં આવ્યું હતું. બે ઉમેદવારો વચ્ચે યોજાયેલી ચૂંટણીમાં નિખિલ મદ્રાસીનો વિજય થયો હતો. ચેમ્બરના વર્ષ ર૦ર૪–રપના પ્રમુખ તરીકે શ્રી વિજય મેવાવાલા બિનહરીફ જાહેર કરવામાં આવ્યા હતા.

ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના વર્ષ ર૦ર૪–રપ માટેના ઉપ પ્રમુખપદ માટે કુલ ૧૧ ઉમેદવારોએ દાવેદારી નોંધાવી હતી. ૦૯ જેટલા ઉમેદવારોએ પોતાની ઉમેદવારી પાછી ખેંચી લીધી હતી. ચૂંટણીના છેલ્લા બે દિવસ દરમ્યાન શ્રી નિખિલ મદ્રાસી અને શ્રી મનિષ કાપડીયાએ ઉમેદવારી પાછી નહીં ખેંચતા તેઓની વચ્ચે ચૂંટણી રાખવાનું ચૂંટણી સમિતિ દ્વારા નકકી કરવામાં આવ્યું હતું, આથી આજરોજ નિખિલ મદ્રાસી અને શ્રી મનિષ કાપડીયા વચ્ચે ચૂંટણી યોજાઇ હતી.

 

બોક્સ :

ચેમ્બર ઓફ કોમર્સના વર્ષ ર૦ર૪–રપના પ્રમુખ તરીકે વિજય મેવાવાલાને બિનહરીફ જાહેર કરાયા હતા

ચેમ્બરના વર્ષ ર૦ર૪–રપના ઉપ પ્રમુખ પદ માટે યોજાયેલી ચૂંટણીના અંતે કુલ ૪૬ર૩ મતો પડયા હતા. જેમાંથી ૧૪૬ મત રદ કરવામાં આવ્યા હતા, આથી કુલ ૪૪૭૭ મતોની ગણતરી કરવામાં આવી હતી.ચૂંટણી સમિતિના ચેરમેન તથા સભ્યો, ઓફિસ બેરર્સ, ચેમ્બરના ભૂતપૂર્વ પ્રમુખશ્રીઓ, બંને ઉમેદવારો તથા તેમના સમર્થકોની હાજરીમાં મત ગણતરી કરવામાં આવી હતી. જેમાં શ્રી નિખિલ મદ્રાસીને ર૪૪૩ મતો અને શ્રી મનિષ કાપડીયાને ર૦ર૯ મતો મળ્યા હતા. નિખિલ મદ્રાસીએ મનિષ કાપડીયા કરતા ૪૧૪ મતો વધારે મેળવીને વિજય હાંસલ કરી હતી.

આ ચૂંટણીમાં ચેમ્બર ઓફ કોમર્સના વર્ષ ર૦ર૪–રપના પ્રમુખ તરીકે વિજય મેવાવાલા સામે કોઇ ઉમેદવારે દાવેદારી નહીં નોંધાવતા તેઓ બિનહરીફ ચૂંટાયા હતા, આથી ચૂંટણી સમિતિના ચેરમેન શ્રી હિમાંશુ બોડાવાલાએ ચેમ્બર ઓફ કોમર્સના વર્ષ ર૦ર૪–રપના પ્રમુખ તરીકે વિજય મેવાવાલા અને ઉપ પ્રમુખ તરીકે શ્રી નિખિલ મદ્રાસીની જાહેરાત કરી હતી. બધાએ ચૂંટાયેલા પ્રમુખ અને ઉપ પ્રમુખને અભિનંદન પાઠવ્યા હતા.

સંવાદદાતા :- અશ્વિન પાંડે