ઈણાજ : રાજ્ય સરકારના કાયદા મંત્રી તેમજ કાયદા વિભાગની સૂચનાઓને અનુસરીને અને સંયુક્ત ચેરીટી કમિશનર (વહીવટ અને મહેકમ) ડૉ. યોગીની સીમ્પીના માર્ગદર્શન હેઠળ ઈણાજ ખાતે ચેરીટી કમિશનરની કચેરીના પરિસરમાં વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો હતો.
‘હરિયાળું ગીર-સોમનાથ’ના સંકલ્પને સાકાર કરવા માટે આ આયોજન કરવામાં આવ્યું હતું. મદદનીશ ચેરીટી કમિશનર ડૉ. ગૌરવકુમાર મહેતાની અધ્યક્ષતામાં વિવિધ જાતના વૃક્ષોનું રોપણ કરવામાં આવ્યું.
કાર્યક્રમ દરમ્યાન ડૉ. ગૌરવકુમારે જણાવ્યું કે, “વૃક્ષો માત્ર પર્યાવરણ જ નહીં પરંતુ માનવજીવન માટે પણ જીવનદાતા સમાન છે. વૃક્ષોનું સંવર્ધન કરવાથી પર્યાવરણનું રક્ષણ, હવા શુદ્ધિકરણ અને પરિસરની સૌંદર્યવૃદ્ધિ થાય છે. દરેક વ્યક્તિએ પોતાના જીવનમાં ઓછામાં ઓછું એક વૃક્ષ રોપીને તેનું સંવર્ધન કરવું જોઈએ.”
આ પ્રસંગે કચેરીના કર્મચારીઓ પણ ઉત્સાહપૂર્વક જોડાયા હતા અને સૌએ મળીને પર્યાવરણ સંરક્ષણનો સંદેશ ફેલાવ્યો હતો. વૃક્ષારોપણ સાથે કચેરીના પરિસરને સ્વચ્છ અને હરિયાળું બનાવવાનો સંકલ્પ લેવાયો હતો.
અહેવાલ : પ્રકાશ કારાણી, વેરાવળ-સોમનાથ