જૂનાગઢ –
ગીરનાર પર્વતની ટોચ પર બિરાજમાન શક્તિપીઠ શ્રી અંબાજી માતાજી મંદિર ખાતે આજે ચૈત્રી નવરાત્રીના પાવન અવસરે આઠમ (અષ્ટમી) નિમિતે ભવ્ય હવન યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. શક્તિ અને ભક્તિના મંત્રણ સાથે ચાલી રહેલા નવરાત્રીના અવસરે મંદિરમાં ભક્તિસભર માહોલ સર્જાયો હતો.
આ યજ્ઞમાં બ્રાહ્મણો દ્વારા શ્રીફળ પૂજન, ચંડી પાઠ અને સૂક્તોના પઠન સાથે હવનવિધિ કરાઈ હતી. બપોરે મંદિર પરિસરમાં મહા આરતી પછીઅમૃત તુલ્ય મહાપ્રસાદનું પણ વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું. આ હવન અને અનુષ્ઠાનમાં જૂનાગઢના ધારાસભ્ય શ્રી સંજયભાઈ કોરડીયા પરિવાર સાથે ઉપસ્થિત રહ્યા હતા. ધારાસભ્યએ માતાજીના દર્શન કર્યા અને પૂજા અર્ચના કરી શક્તિ પ્રાપ્ત કરવાની લાગણી વ્યક્ત કરી.
મંદિર ટ્રસ્ટના પંડિતો અને સંચાલકો દ્વારા ધારાસભ્ય શ્રી સંજયભાઈ કોરડીયાને માતાજીની ચુંદડી ઓઢાડી સન્માનિત પણ કરવામાં આવ્યા હતા. મોટી સંખ્યામાં ભક્તો પ્રસાદ ગ્રહણ કરી અને માતાજીના દર્શનનો લાભ લીધો.
આ પ્રસંગે સમગ્ર મંદિર પરિસરમાં ભક્તિભાવનું અનોખું વાતાવરણ જોવા મળ્યું હતું. ચૈત્રી નવરાત્રીના અનુષ્ઠાનની આજે પૂર્ણાહુતિ સાથે સમાપ્તિ થઈ હતી.
અહેવાલ: જગદીશ યાદવ, જૂનાગઢ