જુનાગઢમાં પુખ્તવયની દિકરીઓની છેડતી કરી, ભુંડી ગાળો બોલી તથા જાનથી મારી નાખવાની ધમકી આપનારા આરોપીઓને જુનાગઢ બી ડિવીઝન પોલીસે ગણતરીના કલાકોમાં જ પકડી પાડીને કાયદાનું ભાન કરાવ્યું છે.
જુનાગઢ રેન્જના પોલીસ મહાનીરીક્ષક નીલેશ જાજડીયા, પોલીસ અધિક્ષક સુબોધ ઓડેદરા અને નાયબ પોલીસ અધિક્ષક હિતેષ ધાંધલ્યાના માર્ગદર્શન હેઠળ, જુનાગઢ બી ડિવીઝન પોલીસ સ્ટેશનના પો.ઇન્સ્પે. એ.બી. ગોહીલ તથા પોલીસ સ્ટાફે આ કાર્યવાહી હાથ ધરી હતી.
ફરિયાદ મુજબ, આરોપીઓ વારંવાર ઈ-બાઈક પર ફરીયાદી યુવતીઓ સામે સ્માઈલ કરીને, ઈશારા કરીને છેડતી કરતા હતા. જ્યારે ફરીયાદી અને સાક્ષી યુવતીએ આ અંગે સમજાવવા પ્રયત્ન કર્યો ત્યારે આરોપીઓએ જેમફાવે તેમ ભુંડી ગાળો બોલી ધમકાવ્યો હતો કે “અમે તમારું જોશું, તમારાથી થાય તે કરી લો” તેમજ “હવે આગળ વધશો તો પર્સનલ થઈ જઈશું” જેવી ધમકીઓ આપી હતી. આરોપીઓએ જાનથી મારી નાખવાની પણ ધમકી ઉચ્ચારી હતી.
આ બનાવને લઈને જુનાગઢ બી ડિવીઝન પોલીસ સ્ટેશનમાં ગુન્હો રજી. નં. ૧૧૨૦૩૦૨૪૨૫૦૬૪૨/૨૦૨૫ ભારતીય ન્યાય સંહિતા 2023 ની કલમો હેઠળ નોંધાયો હતો. ગુન્હાની ગંભીરતા ધ્યાને લઈ હ્યુમન સોર્સ અને ટેકનીકલ સર્વેલન્સ દ્વારા તપાસ હાથ ધરતાં ગણતરીના કલાકોમાં જ આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા.
પકડાયેલા આરોપીઓના નામ-સરનામા:
આમીર રફીકભાઇ સુમરા, ઉંમર 21, રહેવાસી – નંદનવન રોડ, રોનક પાનવાળી ગલી, જોષીપરા, જુનાગઢ
સેફાઝ ઇકબાલભાઇ હમીરાણી, ઉંમર 22, રહેવાસી – અમરાપુર (ગીર), તા. માળીયા, જી. જુનાગઢ
સાથે જ એક કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોરને પણ કસ્ટડીમાં લેવામાં આવ્યો છે.
જુનાગઢ પોલીસે આ કાર્યવાહી દ્વારા સ્પષ્ટ સંદેશો આપ્યો છે કે યુવતીઓની છેડતી, ભુંડી ગાળો તથા ધમકી જેવા ગુન્હાઓને બિલકુલ બરદાસ્ત કરવામાં નહીં આવે.
📌 અહેવાલ : નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ, જુનાગઢ