રાજ્યમાં હાલના તહેવારના માહોલને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે ગરીબ અને જરૂરિયાતમંદ પરિવારો માટે એક રાહત ભર્યો નિર્ણયો લીધો છે. રાજ્યના અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી કુંવરજી બાવળિયાએ જાહેરાત કરી છે કે, આગામી ઓગસ્ટ માસના આરંભથી 75 લાખથી વધુ રેશનકાર્ડ ધારકોના 3.18 કરોડથી વધુ સભ્યો માટે સસ્તા દરે અનાજ વિતરણ શરૂ કરવામાં આવશે.
જન્માષ્ટમીના પાવન તહેવારની ઉજવણી દરેક પરિવારે સંતોષભેર કરી શકે તે હેતુથી રાજ્ય સરકાર દ્વારા NFSA હેઠળ આવનારા અને નોન-NFSA BPL પરિવારોને ગુણવત્તાયુક્ત ખાદ્ય તેલ અને વધારાની ખાંડ વધુ સસ્તા દરે આપવામાં આવશે. ખાસ કરીને દબલ ફિલ્ટર્ડ સીંગતેલ પાઉચ રૂ.100 લિટરના દરે અને ખાંડ BPL પરિવારો માટે રૂ.22 તથા અંત્યોદય કાર્ડધારકો માટે માત્ર રૂ.15 પ્રતિ કિલોગ્રામના રાહત દરે આપવામાં આવશે.
રાજ્ય મંત્રી ભીખુસિંહજી પરમારે માહિતી આપતાં જણાવ્યું કે, સત્તાવાર રીતે ઓગસ્ટ મહિનાની શરૂઆતે જ તમામ જથ્થા વિતરણ શરૂ થશે. તેલ, ખાંડ ઉપરાંત પોષણયુક્ત આહાર માટે ચણા રૂ.30 પ્રતિ કિલો અને તુવેરદાળ રૂ.50 પ્રતિ કિલોના દરે આપવામાં આવશે. સાથે જ મીઠું માત્ર રૂ.1 પ્રતિ કિલોના દરે વિતરણ થશે.
મંત્રીએ ઉમેર્યું કે, આ યોજનાનો લાભ દર મહિને મળતા અનાજ ઉપરાંત ખાસ તહેવારો જન્માષ્ટમી અને દિવાળીને ધ્યાનમાં રાખીને આપવામાં આવે છે. તહેવારો દરમ્યાન ગુજરાતના ગરીબ પરિવારોને સુખદ અનુભવ મળે અને પોષણસભર આહાર મળી રહે તે સરકારની કટિબદ્ધતાનું પરિચાયક છે.
રાજ્યની પબ્લિક ડિસ્ટ્રિબ્યુશન સિસ્ટમ દ્વારા આ તમામ જથ્થાની વહેંચણી ડોરસ્ટેપ વિતરણ મોડલ દ્વારા સુનિશ્ચિત રીતે પહોંચી રહે તે માટે ખાસ વ્યવસ્થાઓ હાથ ધરવામાં આવી છે.
રિપોર્ટર : નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ, જૂનાગઢ