ગીર સોમનાથ: કોડીનાર તાલુકાની શિંગોડા નદી પર આવેલા જમજીર ધોધમાં ભૂતકાળમાં અનેક અકસ્માતો સર્જાયા છે અને અનેક લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. આવી દુર્ઘટનાઓને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા ધોધ નજીક જવાની પ્રતિબંધાત્મક જાહેરનોટિસ બહાર પાડવામાં આવી છે.
છતાં તાજેતરમાં અમદાવાદની એક્ટર અને સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર પૂજા પ્રજાપતિ તથા તેમની બે સાથી યુવતીઓ ધોધ નજીક પહોંચી રિલ્સ બનાવી અને તેને સોશિયલ મીડિયામાં વાયરલ કરી હતી. આ મામલો ગંભીરતાથી તંત્રના ધ્યાનમાં આવતા પૂજા પ્રજાપતિ સામે ધોરણસરની ફરિયાદ દાખલ કરવામાં આવી છે.
ગીર સોમનાથના નિવાસી અધિક કલેક્ટર રાજેશ આલ દ્વારા આ ઘટનાની તપાસના આદેશ આપવામાં આવ્યા છે. સાથે જ કલેક્ટર એન.વી. ઉપાધ્યાયે જાહેર અપીલ કરી છે કે જિલ્લાના નાગરિકો ધોધ નજીક જઈ પોતાનો જીવ જોખમમાં ન મૂકે.
તંત્રએ સ્પષ્ટ કર્યું છે કે જમજીર ધોધ ખાતે જાહેરનામું લાગુ છે અને કોઈપણ વ્યક્તિએ ધોધ નજીક જઈ સલામતી નિયમોનો ભંગ કર્યો તો તેના સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.
આ ઘટનાથી ફરી એકવાર ધોધની જોખમી પરિસ્થિતિને લઈને ચિંતા વ્યકત થઈ છે અને નાગરિકોને સાવચેત રહેવા અનુરોધ કરવામાં આવ્યો છે.
અહેવાલ: પ્રકાશ કારાણી, વેરાવળ-સોમનાથ