જૂનાગઢ સિવિલ હોસ્પિટલના સહયોગથી જય પરશુરામ રચનાત્મક સેવા સમિતિ–જેતપુર દ્વારા માળીયા હાટીના તાલુકામાં માનસિક તકલીફો અંગે જનજાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો.
આ કાર્યક્રમ હેઠળ સરકારી હાઈસ્કૂલ (કુમાર), સરકારી હાઈસ્કૂલ (કન્યા) અને પે-સેન્ટર શાળાના આચાર્ય, શિક્ષકગણ, વિદ્યાર્થીઓ ઉપરાંત તાલુકા પંચાયત કચેરીના અધિકારીઓ અને તલાટી કમ મંત્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યક્રમમાં ખાસ કરીને યુવાનો અને વિદ્યાર્થીઓમાં વધતી મોબાઈલ ફોન તથા સોશિયલ મીડિયા વપરાશની માનસિક અસરો અંગે વિગતવાર સમજણ અપાઈ હતી. નિષ્ણાતોએ માનસિક રોગોના પ્રાથમિક લક્ષણો, તેના કારણો, નિવારણ તથા ઘરગથ્થુ ઉપચાર વિશે માર્ગદર્શન આપ્યું હતું.
તે ઉપરાંત જિલ્લા જનરલ/સિવિલ હોસ્પિટલમાં નિઃશુલ્ક રીતે માનસિક રોગનું નિદાન અને સારવાર ઉપલબ્ધ છે તે અંગે પણ જનજાગૃતિ ફેલાવવામાં આવી હતી. લોકો સરળતાથી સંપર્ક કરી શકે તે માટે કેન્દ્ર સરકારે જાહેર કરેલા ટોલ-ફ્રી નંબર 14416 અને હેલ્પલાઇન નંબર 18008914416 વિષે પણ માહિતગાર કરાયા.
કાર્યક્રમના અંતે માનસિક આરોગ્ય અને સાવચેતી અંગેની માહિતી ધરાવતા પેમ્ફ્લેટ્સનું વિતરણ કરવામાં આવ્યું હતું જેથી ગામસ્તરે વધુને વધુ લોકો સુધી આ સંદેશ પહોંચે.
અહેવાલ : નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ, જૂનાગઢ