જરૂરીયાતમંદ ભુખ્યાને નિઃશુલ્ક ભોજન વ્યવસ્થા માટે હરીહરી અન્નક્ષેત્રનાં નુતન પ્રકલ્પનું થયુ ઠાકરશીનગરમાં થયુ ભુમિપૂજન.

જૂનાગઢ તા.૧૭, ભોજલરામબાપા અને જલારામબાપાનાં સેવાકર્મોના પદચિન્હો જાળવી રાખીને શ્રી સિદ્ધેશ્વર સત્સંગ મંડળ જોષીપરા જુનાગઢ દ્વારા હરિહર અનક્ષેત્રનો પ્રારંભ થયો હતો. જેમાં અબાલ-વૃધ્ધ જરૂરીયાતમંદ વ્યક્તિઓને નિઃશુલ્ક ભોજન મળી રહે તેવી વ્યવસ્થા શહેરના રાધાનગર સોસાયટીમાં શ્રી મહાપ્રભુજીની હવેલી પાસે પ્રબુધ્ધ નગરજનો, રાજકીય અગ્રણીઓ, સેવાભાવી સંસ્થાના હોદ્દેદારો, સંતગણની ઉપસ્થિતિમાં કરવામાં આવેલ હતી. જેમાં સેવાની સુવાસનું વિસ્તરણ થતાં અને ભાડાની જગ્યામાં અન્નક્ષેત્રનું કાર્યથતુ જોઇને ખલીલપુર રોડ પર આવેલ ઠાકરશીનગરનાં રહીશોએ પોતાની સોસાયટીમાં અન્નક્ષેત્રનું સુચારૂ અને વધુ સંગીન કાર્ય થાય તે માટે વ્યવસ્થાનાં ભાગરૂપ જમીન સવલત કરી આપતા નવા પ્રકલ્પનું મોરબી હરીહર અન્નક્ષેત્રનાં જમનાદાસબાપુ અને પદરીયા રાંદલધામનાં સંતશ્રી પૂનમ માતાનાં હસ્તે ભુમિપૂજન કરવામાં આવ્યુ હતુ. આ પ્રસંગે અન્નક્ષેત્રનાં દાતાસર્વશ્રી જેન્તીભાઇ વઘાસિયા, ભાવેશ વેકરીયા, બાલાજીનાં વિમલભાઇ, હરસુખભાઇ સાવલીયા, ધર્મેશ પોશીયા, લલીત પરસાણા, સૂરેશ પાનસુરીયા, ડો. બોરડ સાહેબ, કેતન ગજેરા, અમુભાઇ પાનસુરીયા, ગાયત્રી આશ્રમનાં નાગબાપુ વાળા, શાંતેશ્વરનાં મહંતશ્રી, બકુલભાઇ ભુવા,સહિત ગણમાન્ય મહાનુભાવો અને દાતાશ્રીઓની પ્રેરક ઉપસ્થિતી રહી હતી,


આ તકે ધારાસભ્યશ્રી સંજયભાઇ કોરડીયાએ હરીહર અન્નક્ષેત્રનાં કર્મયોગીઓ ની સેવાભાવનાને બિરદાવતા જણાવ્યુ હતુ કે ભૂખ્યાને ભોજન મળી રહે તે માટે નિઃશુલ્ક અન્નક્ષેત્રનો પ્રારંભ થયાને હજુ થોડા મહિના થયા કે આ સેવાની સુવાસ વિસ્તરતા સિદ્ધેશ્વર સત્સંગ મંડળ જોષીપરા જૂનાગઢના શ્રીમતી મીનાબેન સુખડિયા, છગનભાઈ સાંગાણી, ભરતભાઈ રામાણી, કિશોરભાઈ બાંભરોલીયા, ચંદુભાઈ કરસનભાઈ સુહાગિયા, તેમજ સિદ્ધેશ્વર સત્સંગ મંડળના સૌ સભ્યો અને અન્નક્ષેત્રનાં સેવા પ્રકલ્પ સાથે તન-મન-ધન અને વિચારથી જોડાયેલા સૌ સહયોગીઓ દ્વારા અન્નક્ષેત્રનો વ્યાપ વધારવા ઠાકરશીનગરમાં અન્નક્ષેત્રનાં ભુમિપૂજનથી સેવાકાર્યમાં વધુ સંગીનતા આવી છે જે આ નરસૈયાની તપોભુમિમાં ભોળાનાથ ભવનાથનાં આશિર્વાદથી શક્ય બને છે.
ઉલ્લેખનીય છે કે જુનાગઢ શહેરના જોષીપરા અને આસપાસના વિસ્તારની વિધવા, ત્યકતા, ગરીબ પરિવારની બહેનો હોય કે અતિ નબળી આર્થિક સ્થિતિમાં જીવતા લોકો હોય તેમના ઘરે અનાજના અભાવે ચૂલો ન સળગે એવું ન બને તે માટે શ્રી સિદ્ધેશ્વર સત્સંગ મંડળ દ્વારા છેલ્લા એક દાયકાથી દર મહિને એક રાશનની કીટ બનાવી અને તેમના ઘરે પહોંચતી થતી રહી છે. રાશનની કીટ મળવાથી ગરીબ અને જરૂરીયાત ધરાવતા અનેક પરિવારોને જીવન નિર્વાહ માટે ખૂબ ઉપયોગી પુરવાર થઈ રહી છે. વિધવા બહેનો અને કામ ના કરી શકે તેવા પરિવારની મજબૂરી હોય તેમને ભોજન બનાવવા માટે પરોક્ષ રૂપે સિદ્ધેશ્વર સત્સંગ મંડળ સહાયરૂપ બનતું રહ્યું છે,

સિધ્ધેશ્વર સત્સંગ મંડળના સભ્યો દ્વારા એવું નક્કી કરવામાં આવ્યું કે સંત શ્રી ભોજલરામબાપા અને જલારામબાપાની જીવનપથની પ્રેરણા લઈને આપણે એવું કંઈક કરીએ કે આપણા નગરમાં કોઈ ભોજનના અભાવે ભુખ્યું ના રહે અને આપણે તેમના આંતરડાને ઠારીએ તેવું કંઈક કરીએ, બસ આ વિચાર શ્રી સિદ્ધેશ્વર સત્સંગ મંડળ સભ્યોએ શ્રી હરિહર અન્નક્ષેત્રને સાકાર કરવા સુધી લઈ ગયો. આઠમી નવેમ્બરના રોજ શ્રી હરિહર અને ક્ષેત્ર કાર્યાન્વીત થયુ હતુ. અને આ સત્કાર્યને વધુ સંગીન બનાવવા નુતન પ્રકલ્પનાં ભુમિપુજનનો કાર્યક્રમ યોજાયો હતો. અત્રે ઉલલ્ેખનિય છે કે આ અન્નક્ષેત્રમાં કોઈ પણ વ્યક્તિ નાત-જાત-ધર્મના ભેદભાવ વગર વિનામૂલ્યે ભોજન માટે જઈ શકે છે. અહીં સેવાભાવી વ્યક્તિઓ સતત સેવા કરશે, અને જૂનાગઢના કોઈ વ્યક્તિ ભૂખ્યો ન રહે તે દિશામાં કાર્યરત રહેશે. સિધ્ધેશ્વર અન્નક્ષેત્રનાં કાર્યકર્તા અને વનસાસી કલ્યાણ પરિષદ સાથે સેવાથી સંકળાયેલ છગનભાઇ સાંગાણી અને ચંદુભાઇ સુવાગિયાએ જણાવ્યુ હતુ કે કળિયુગમાં દાનનો વિશેષ મહિમા છે. જેમાં અન્નદાન, ભૂમિદાન, ગૌદાન, સુવર્ણદા, અંગદાન, જેવા અનેક ક્ષેત્રોમાં દાન કરવાથી કોઇનું ભલુ થાય છે. પણ સર્વ દાનમાં અન્નદાન એટલે કે ભુખ્યાને ભોજન કરાવવાનું દાન સર્વ શ્રેષ્ઠ છે.ભુખ્યાને ભોજન મળ્યાથી તૃપ્તી થયાનો સુખનો અહેસાસ કઇંક અનેરો હોય છે. આલોકમાં સર્વે દાનોમાં પણ અન્નદાન સર્વ કરતાં શ્રેષ્ઠ કહ્યું છે, કારણ કે અન્ન છે તે પ્રાણીઓના પ્રાણ છે. એથી અન્નનું દાન કરનાર પ્રાણનું દાન કરનારો કહેલો છે, બસ આવા જ ભાવ સાથે અમારા સિધ્ધેશ્વર સત્સંગ મંડળ દ્વારા હરીહર અન્નક્ષેત્ર ભુખ્યાને ભોજન કરાવવા સદૈવ ત્તત્પર હશે અને અમોને કશુંક સેવાભાવ થી કાર્ય કર્યાનો સંતોષ રહેશે. સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન માર્કટીંગ યાર્ડનાં વેપારી રોહીતભાઇ લાખાણીએ સંભાળ્યુ હતુ.

અહેવાલ : નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ (જૂનાગઢ)