૭૬મો પ્રજાસત્તાક પર્વ – જલાલપોર
વન અને પર્યાવરણ મંત્રી શ્રી મુકેશભાઈ પટેલે ધ્વજવંદન કરી પરેડની સલામી ઝીલી
વિકસિત ભારતનું નિર્માણ કરવાનો અમૂલ્ય અવસર આપણા પાસે છે: વન અને પર્યાવરણ મંત્રી શ્રી મુકેશભાઈ પટેલ
જલાલપોર તાલુકાના સર્વાંગી વિકાસ માટે રૂ.૨૫ લાખનો ચેક અર્પણ કરાયો
જલાલપોર તાલુકાના મટવાડ ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે ૭૬મા પ્રજાસત્તાક દિવસની નવસારી જિલ્લા કક્ષાની ઉજવણી કરવામાં આવી હતી. અહીં વન અને પર્યાવરણ મંત્રી શ્રી મુકેશભાઈ પટેલે ધ્વજવંદન કરી રાષ્ટ્રધ્વજને સલામી અર્પણ કરી હતી અને શૌર્યભરી ઉજવણીમાં વિશેષ હાજરી આપી હતી. ધ્વજવંદન બાદ મંત્રીશ્રીએ પરેડનું નિરીક્ષણ કરી સલામી ઝીલી હતી. આ દરમિયાન શ્રી પટેલે હાજર લોકોનું અભિવાદન પણ ઝીલ્યું હતું. પરેડની માર્ચ પાસ્ટ બાદ ૧૨ જેટલા વિવિધ ટેબ્લો આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. જેમાં સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓ અને ગુજરાતના વિકાસની ઝાંખી કરાવાઈ હતી.હાજર જનમેદનીને પ્રજાસત્તાક પર્વની હાર્દિક શુભકામનાઓ પાઠવતા વન અને પર્યાવરણ મંત્રીશ્રી મુકેશભાઈ પટેલે કહ્યું હતું કે, આપણો દેશ વિશ્વના સૌથી મોટા લોકશાહી દેશ તરીકે ઊભરી આવ્યો છે. દેશને આઝાદી અપાવનાર સર્વ શહીદોનાં ચરણોમાં તેઓ નતમસ્તક થવાની સાથે બંધારણનાં ઘડવૈયા ડો.બાબાસાહેબ આંબેડકરને તેમણે હ્રદયપૂર્વક વંદન કર્યા હતા.
શ્રી પટેલે આ પ્રસંગે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે, શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની નેતૃત્વાળી ગુજરાત સરકાર અને શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વવાળી ભારત સરકાર ગરીબો અને મધ્યમવર્ગની સરકાર છે. જનભાગીદારી સાથે ગુજરાત અને ભારત વિકાસના નવા આયામો સર કરી રહ્યા છે, તેવું તેમણે સ્પષ્ટપણે જણાવ્યું હતું. તેમણે રાજ્ય અને કેન્દ્ર સરકારની વિવિધ પ્રજાલક્ષી કલ્યાણકારી યોજનાઓ અને તેની સફળતાનો ઉલ્લેખ કરીને આભાર-અભિનંદન ભાવ વ્યક્ત કર્યો હતો.મંત્રી શ્રી મુકેશભાઈ પટેલે જણાવ્યું હતું કે, વિકસિત ભારતનો રોડ મેપ તૈયાર છે. મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં વિકસિત ગુજરાતના રોડમેપ થકી આપણે દેશના વિકાસની આગેવાની કરી રહ્યા છે, ત્યારે નવસારીને સતત પ્રયત્નશીલ રહેવા માટે શ્રી પટેલે સૌને આહ્વાન કર્યું હતું. રાષ્ટ્રસેવામાં યોગદાન આપવાની હાકલ કરીને તેમણે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં દેશનો સુવર્ણકાળ ચાલી રહ્યો હોવાનું જણાવ્યું હતું.
નવસારી મહાનગરપાલિકા થકી શહેરી વિસ્તારનો સર્વાંગી વિકાસ થશે, તેમ જણાવી તેમણે નિરંતર વિકાસ માટે રાજ્ય સરકારની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. ગુજરાત સરકારનું લક્ષ્ય છેવાડાના માનવીનું કલ્યાણ છે, તેમ કહી તેમણે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આપેલા વિકાસમંત્રને આપણે સત્યનિષ્ઠાપૂર્વક લઈને ચાલી રહ્યા હોવાનું ઉમેર્યું હતું.આ ઉજવણી નિમિત્તે દેશભક્તિની ભાવના વ્યક્ત કરતા અને ગુજરાતની ભાતીગળ સહિત વિવિધ સંસ્કૃતિને ઉજાગર કરતા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા હતા. ત્યારબાદ પોતાના કાર્યક્ષેત્રમાં શ્રેષ્ઠ યોગદાન આપનાર કર્મનિષ્ઠોનું મંત્રીશ્રીના હસ્તે પ્રશિસ્ત પત્ર આપી સન્માન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના અંતે મંત્રીશ્રી સહિત મહાનુભાવોએ વૃક્ષારોપણ કરી ‘ગ્રીન ગુજરાત’નો સંદેશ આપ્યો હતો.
૭૬મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીમાં જલાલપોરના ધારાસભ્યશ્રી આર. સી. પટેલ, નવસારીના ધારાસભ્યશ્રી રાકેશ દેસાઈ, અગ્રણી શ્રી ભૂરાભાઈ શાહ, જિલ્લા કલેક્ટરશ્રી ક્ષિપ્રા આગ્રે, જિલ્લા વિકાસ અધિકારીશ્રી પુષ્પ લતા, જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી સુશીલ અગ્રવાલ, નિવાસી અધિક કલેક્ટરશ્રી ઝાલા, નવસારીના પ્રાંત અધિકારી ડો. જનમ ઠાકોર, તાલુકા વિકાસ અધિકારીશ્રી સહિતના ઉચ્ચ અધિકારીશ્રીઓ, પદાધિકારીઓ, જલાલપોરના આબાલ, વૃદ્ધ, સ્ત્રી, પુરુષ સહિત આસપાસના પ્રાંતના લોકો ઉપસ્થિત રહ્યા હતા.
અહેવાલ :- બ્યુરો રિપોટ (નવસારી)