જામનગરના અંધાશ્રમ પાસે આવેલા 1404 આવાસ જર્જરિત બનતા મનપા દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે આવાસ ખાલી કરાવી ડીમોલીશન હાથ ધરવામાં આવ્યું

જામનગર
જામનગરના અંધાશ્રમ પાસે આવેલા 1404 આવાસ જર્જરિત બનતા મનપા દ્વારા તમામ રહીશોને એક વર્ષ પહેલા જ ખાલી કરવા નોટિસ આપવામાં આવી હતી. તો બીજી તરફ અહીં રહેતા લોકોએ વૈકલ્પિક વ્યવસ્થાની માંગ કરી ખાલી કર્યા ન હતા. એક વર્ષ બાદ ફરી ચોમાસુ આવતા મનપા દ્વારા આજથી ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે આવાસ ખાલી કરાવી ડીમોલીશન હાથ ધરવામાં આવ્યું છે. આજે બે બ્લોક ખાલી કરાવી તોડી પાડવામાં આવ્યા હતા. કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.

જામનગર શહેરના 1404 આવાસ યોજનાના મકાનો અત્યંત જર્જરિત અને જોખમી હાલતમાં હોવાથી મહાનગરપાલિકા દ્વારા ગત વર્ષે જૂન-2023 માં મકાનના રહેવાસીઓને આવાસ ખાલી કરી આપવા અથવા સ્વખર્ચે રીપેરીંગ કામ કરાવી લેવા નોટીસ આપી હતી. તેમ છતાં આસામીઓએ મકાન ખાલી કર્યા ન હતા અને મરામત પણ ન કરી હતી. ત્યારે આજે સવારે મનપાના એસ્ટેટ શાખા તેમજ અન્ય શાખા દ્વારા જગ્યા ખાલી કરાવી ડીમોલિશન કામગીરી હાથ ધરી છે. અને બ્લોક નંબર 71 અને 72 નંબરના બે બિલ્ડિંગ, કે જેમાં 12-12ફલેટ આવેલા છે, તે પૈકીના 24 ફલેટ આજે સૌ પ્રથમ ખાલી કરાવવા માટે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જામનગર મહાનગરપાલિકાની એસ્ટેટ શાખાની ટીમની સાથે પોલીસ બંદોબસ્ત રાખવામાં આવ્યો હતો. કેટલાક સ્થાનિક નાગરિકો કે જેઓ વિરોધ કરી રહ્યા હતા તેઓને ભારે સમજાવટ પછી આજે સૌ પ્રથમ બે બ્લોક ખાલી કરાવવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જે બે બ્લોક ખાલી કરાવાયા તેમાં હાલ 8 જેટલા રહેવાસીઓ વસવાટ કરતા હતા, તેઓને માલ સામાન ખાલી કરાવી ડીમોલીશન કરવામાં આવ્યું છે. આ સમયે એક મહિલા બેશુદ્ધ થઈ જતા તેને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.

સ્થાનિક લોકોએ વિરોધ કરતા કહ્યું હતું કે, મહાનગરપાલિકાએ પાણી બંધ કરી અમને બળજબરીપૂર્વક ખાલી કરાવે છે. મનપાને અમારી નહીં પણ અમારી જમીનની કિંમત છે. લોકોની કિંમત હોય તો આવો અત્યાચાર ન કરે. હવે અમે અમારી રીતે લડત ચલાવીશું.

મનપાના અધિકારીએ કહ્યું હતું કે, હવે રિડેવલમેન્ટનું ટેન્ડર બહાર પડાશે. જેમાં એજન્સી આવ્યા બાદ વૈકલ્પિક વ્યવસ્થા અંગે નિર્ણય કરાશે. હાલ અહીં રહેતા લોકો માટે કોઈ વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવી નથી. રિડેવલપમેન્ટ માટે જ્યારે ટેન્ડરીંગ કરવામાં આવશે ત્યારે જે એજન્સી આવશે તેના દ્વારા વ્યવસ્થા કરાશે. જેમ જેમ બ્લોક ખાલી થશે તે રીતે ડીમોલીશન કરાશે.

અહેવાલ :-સલમાન ખાન ( જામનગર)