જામનગરમાં આદર્શ સ્મશાનમાં શાસ્ત્રોત વિધિ સાથે સામુહિક અગ્નિસંસ્કાર કરાયા.

જામનગર
જામનગરની એમપી શાહ મેડિકલ કોલેજમાં છેલ્લા અઢી વર્ષના સમયગાળા દરમિયાન દેહદાન કરવામાં આવેલા 29 મૃતકોના અંગોના આજે આદર્શ સ્મશાનમાં શાસ્ત્રોત વિધિ સાથે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યાં હતા.

જામનગરની એમપી શાહ મેડિકલ કોલેજ, જામનગરની આર્ય સમાજ સંસ્થા, સમાજ સેવક મહાવીર દળ અને સ્મશાન વ્યવસ્થા સમિતિના સંયુક્ત ઉપક્રમે સામુહિક અગ્નિસંસ્કારનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જામનગરની એમ.પી. શાહ મેડિકલ કોલેજમાં છેલ્લા અઢી વર્ષના સમયગાળા દરમિયાન સમગ્ર જામનગર જિલ્લામાંથી કુલ 29 જેટલા મૃતદેહોનું દેહદાન કરવામાં આવ્યું હતું. આ તમામ મૃતદેહને જામનગરના એમ.પી. શાહ મેડિકલ કોલેજના એનોટોમી વિભાગમાં રાખવામાં આવ્યા હતા. મેડિકલ કોલેજના તબીબી અભ્યાસ માટે આ તમામ અવયવોનો ઉપયોગ કરાયો હતો. ત્યારબાદ આજે સવારે એમ.પી.શાહ મેડિકલ કોલેજ અને અન્ય સેવાભાવી સંસ્થાઓના સહયોગથી દાનમાં આવેલા શરીરના અંગોના અંતિમ સંસ્કાર યોજવાની કાર્યવાહી રાખવામાં આવી હતી.

એમ.પી.શાહ મેડિકલ કોલેજમાં દેહદાન માટે આવેલા 29 મૃતકોના અંગોના શાસ્ત્રોકત વિધિથી અંતિમ સંસ્કાર કરાયા…

આજે આદર્શ સ્મશાનમાં અગ્નિ સંસ્કારનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં એમ.પી. શાહ મેડિકલ કોલેજના ડીન ડો. નંદીની દેસાઈ, એનોટોમી વિભાગના ડો. મિતેષ પટેલ, તથા અન્ય તબીબી સ્ટાફ હાજર રહ્યો હતો. તેમજ જામનગરની આર્યસમાજ સંસ્થાના ટ્રસ્ટી ઉપરાંત આદર્શ સ્મશાન વ્યવસ્થા સમિતિ તથા અન્ય અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. તેઓની ઉપસ્થિતિમાં શાસ્ત્રોક્ત વિધિથી અગ્નિસંસ્કાર કરવામાં આવ્યાં હતા.

અહેવાલ :- સલમાન ખાન (જામનગર)