જામનગરમાં હત્યાનો સિલસિલો યથાવત વધુ એક યુવાનની હત્યા…

જામનગર

જામનગર શહેર અને જિલ્લામાં અસામાજિક અને માથાભારે તત્વો બેફામ છે. તેઓ ખાખી રંગથી ડરતાં નથી. આવા તત્વો ગમે ત્યારે, ગમે તે સ્થળે, ગમે તેના પર હુમલો કરી શકે છે, આવા તત્વો હત્યા પણ નીપજાવી શકે છે અને હત્યા નિપજાવી ભાગી જઈ શકે છે, આવા તત્વો પર ન તો કાનૂનનો ખૌફ છે, ન તો પોલીસની બીક… આવા તત્વોને એ પણ ખબર હોય છે કે, પકડાઈ જઈએ તો પણ, બહુ બહુ તો શું થાય. આથી આવા ગુનાહિત તત્વો ગંભીર ગુનાઓને અંજામ આપતી વખતે જરા પણ અચકાતા નથી. આ વાતાવરણમાં, જામનગરમાં હત્યાનો સિલસિલો આગળ વધ્યો છે. શહેરમાં મોડી રાત્રિના હત્યાનો એક બનાવ બન્યો છે. આ હત્યા સરકારી જીજી હોસ્પિટલમાં થઈ છે. જ્યાં એક યુવાનનું મોત થયું છે.

હોસ્પિટલ કે જ્યાં દર્દીઓ સારવાર લેવા માટે આવતા હોય તે સ્થળે જો હત્યાની ઘટના બને તો તે કેવું કહેવાય…પણ આ વાસ્તવિકતા જામનગરમાં બની છે, સૌરાષ્ટ્રની પ્રથમ ક્રમાંકની જામનગરની સરકારી જીજી હોસ્પિટલમાં ડ્રેસિંગ રૂમ નજીક હત્યાનો આ બનાવ બન્યો. આ બનાવમાં ધર્મરાજસિંહ સુરુભા ઝાલા નામના યુવાનની છરીના ઘા વડે કરપીણ હત્યા નિપજાવવામાં આવી છે. હત્યારાની સંખ્યા કેટલી હતી, એ વિગતો હવે બહાર આવશે. શહેર અને જિલ્લામાં એક જ સપ્તાહમાં હત્યાનો આ ઉપરાઉપરી ત્રીજો બનાવ છે. કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને અસામાજિક તત્વો પડકારી રહ્યા છે. અને આવી ઉપરાછાપરી ઘટનાઓથી જામનગર પોલીસના અસ્તિત્વ સામે પણ સવાલ ઉભો થયો છે.

જીજી હોસ્પિટલમાં હત્યાના આ બનાવમાં ભોગ બનનાર યુવાનનું હુમલાના સ્થળે જ મોત નીપજયું હતું. હત્યારાઓ બનાવને અંજામ આપી નાસી છૂટ્યા છે. પોલીસ એમને શોધી રહી છે. આ હત્યાની જાણ થતાં શહેર DySP સહિતની પોલીસટૂકડી બનાવના સ્થળે પહોંચી હતી અને ઘટનાસ્થળનું નિરીક્ષણ કરી, આસપાસના લોકોને જરૂરી પૂછતાછ કરી હતી.

અહેવાલ : સલમાન ખાન (જામનગર)