જામનગરમાં 9 વર્ષના બાળકે ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતા ભારે ચકચાર મચી જવા પામી .

જામનગર

જામનગરની ભાગોળે આવેલ દરેડ ફેસ-3 માં 9 વર્ષના બાળકે ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતા ભારે ચકચાર મચી જવા પામી છે. બાળકની માતાએ સાયકલ ચલાવવા બાબતે ઠપકો આપતા બાળકે પગલું ભર્યુ હોવાનું પોલીસની તપાસમાં ખુલવા પામતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી. પોલીસે બાળકના મૃતદેહને જી.જી. હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી આગળની તપાસ હાથ ધરી છે. બનાવના પગલે હાલારમાં ભારે અરેરાટી ફેલાઇ જવા પામી છે.

જામનગર પાસેના દરેડમાં ફેસ-3માં એમ.પી.રાજ્યથી કામધંધા અર્થે આવેલા અને કારખાનામાં કામ કરતા પરપ્રાંતિય મહિલા પુજા બહેન તેના પરીવારનું ગુજરાન ચલાવી રહ્યા છે, તેના પરિવારમાં બે બાળકો છે, જેમાં એક મોટી દીકરી અને 9 વર્ષનો લકકી નામનો બાળક છે.

પુજાબહેનના પતિ કોમલકુમાર જાટવ મધ્યપ્રદેશમાં રહે છે. જયારે બન્ને બાળકો માતા સાથે દરેડમાં વસવાટ કરે છે. ત્યારે પુજાબહેનના 9 વર્ષના બાળક લકકીએ ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતા ભારે ચકચાર મચી જવા પામી હતી. બનાવના પગલે પોલીસ દરેડ ફેસ-3માં દોડી ગઇ હતી અને બાળકે કયાં કારણોસર આ પગલું ભર્યુ તે અંગે તપાસ હાથ ધરી હતી. જેમાં માતાની પૂછપરછમાં જાણવા મળ્યું કે, બાળક અવાર-નવાર સાયકલ લઇને ઘરની બહાર નિકળી જતો હતો અને બપોર સુધી ઘરે ન આવતો હોવાથી માતાને ભારે ચિંતા રહેતી હોવાથી બાળકને ઠપકો આપતા બાળક તેની ઉપરની ઓરડીમાં જતો રહ્યો હતો.તેની માતા જમવા માટે તેને બોલવવા ઓરડીમાં જતાં બાળકે તેના દુપટા વડે ગળાફાંસો ખાઇ લેતા તેના પગની નીચેથી જમીન સરકી ગઇ હતી અને માતાના આક્રંદથી આજુબાજુના લોકો એકઠા થઇ ગયા હતાં અને આ અંગેની જાણ પોલીસને કરતા પોલીસ દોડી આવી હતી અને બાળકના મૃતદેહનો કબજો સંભાળી પોસ્ટમોર્ટમ અર્થે જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો અને પોલીસે માતા સહિત આજુબાજુના લોકોના નિવેદનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. બાળકના આ પગલાથી પરિવારમાં માતમ છવાયો છે. બાળકના આ બનાવથી જામનગર સહિત દરેડ અને હાલારમાં ભારે ચકચાર મચી જવા પામી છે.

બાળકે આવેશમાં આવી ભરેલું પગલું હોઈ શકે : ડોક્ટર દિપક તિવારી ( અધિક્ષક, જી.જી.હોસ્પિટલ )

પહેલા અને અત્યારના બાળકોના લાલન પોષણ માં ઘણો ફેર પડી ગયો છે બાળકો અગાઉ બધી રીતે સહનશક્તિ અને મજબૂત હતા અત્યારના બાળકો સહનશીલતા ધીમે ધીમે ગુમાવી રહ્યા છે તેઓ નાની-નાની વાતમાં ગુસ્સે થઈ જાય છે અને ગમે તેવા પગલાં ભરવાનું વિચારી લે છે. આ કિસ્સામાં પણ આવું જ કાંઈ થયું હોય અને આવેશમાં પગલું ભરી લીધું હોય.> ડો. દિપક તિવારી, અધિક્ષક, જી.જી. હોસ્પિટલ, જામનગર.

પોલીસ પોસ્ટમોર્ટમની રાહ જોઈ રહી છે

નવ વર્ષના બાળકના આપઘાતની વાત પોલીસને પણ હજુ થોડી શંકાસ્પદ લાગી રહી છે પરંતુ તેઓ સવારે પોસ્ટમોર્ટમ થાય તેની રાહ જોઈ રહી છે કારણ કે માત્ર 9 વર્ષીય બાળક આ રીતે આપઘાત કરે તે માનવામાં આવી રહ્યું નથી આખા કેસનો દારૂમદાર પોસ્ટમોર્ટમ રિપોર્ટ પર હાલ અટકેલો છે પોલીસ તેની રાહ જોઈ રહી છે.

લક્કી હવે તું સાયકલ લઇને બહાર ગયો તો તને તારા પિતા પાસે મધ્યપ્રદેશમાં મોકલી દઈશ : માતા

પુજાબહેને જણાવ્યું હતું કે, શનિવારના લકકીને ઠપકો આપ્યો કે, હવે તું સાયકલ લઇને બહાર ગયો તો તારા પિતા જે એમ.પી.માં છે તેની પાસે તને મોકલી દઇશ તેમ કહેતા બાળકને મનમાં લાગી આવતા તેના ઘરની ઉપરની ઓરડીમાં ચાલ્યો ગયો હતો અને બપોર સુધી નીચે ન આવતા હું તેને જમવા માટે બોલાવવા ગઇ હતી. > પુજાબહેન, બાળકની માતા.

અહેવાલ :- સલમાન ખાન (જામનગર)