જામનગર જિલ્લામાં ચાલી રહેલા શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોસત્વ અંતર્ગત કુલ ૨૪૩૭૭ બાળકો પૈકી જામજોધપુર તાલુકાના મોટાવડીયા ગામે ૩૫ બાળકોએ શિક્ષણનો શુભારંભ કર્યો.

જામનગર

ગુજરાતમાં તા.૨૬ થી ૨૮ જૂન સુધી શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવની ઉજવણી થઈ રહી છે. ત્યારે જામનગર જિલ્લાના પ્રભારી મંત્રી અને રાજ્યના પ્રવાસન, સાંસ્કૃતિક પ્રવૃતિઓ,વન અને પર્યાવરણ, ક્લાઇમેટ ચેન્જ વિભાગના મંત્રી મુળુભાઈ બેરાના અધ્યક્ષ સ્થાને જામજોધપુર તાલુકાની મોટાવડીયા પ્રાથમીક શાળામાં શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોસત્વ અંતર્ગત કાર્યક્રમ યોજાયો હતો.

જામનગર જિલ્લામાં ચાલી રહેલા શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોસત્વ અંતર્ગત કુલ ૨૪૩૭૭ બાળકો પૈકી જામજોધપુર તાલુકાના મોટાવડીયા ગામે ૩૫ બાળકોએ શિક્ષણનો શુભારંભ કર્યો હતો. જેમાં મહાનુભાવોના હસ્તે વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટ અને બેગ આપી આવકારવામાં આવ્યા હતા.

પ્રાસંગિક ઉદ્બોધન આપતા મંત્રી મુળુભાઈ બેરાએ જણાવ્યું હતું કે, શાળા પ્રવેશોત્સવએ માત્ર વિદ્યાર્થીઓ માટે જ નહીં પરંતુ આપણા સૌ માટે એક ઉત્સવ સમાન છે. શાળા ખુલ્યા બાદ ત્રણ દિવસ સુધી રાજ્યની તમામ શાળાઓમાં શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવની ઉજવણી કરવામાં આવે છે. મુખ્યમંત્રી સહિતનું મંત્રીગણ તેમજ અધિકારીઓ ગામડે ગામડે જઈને શાળામાં પ્રવેશપાત્ર વિદ્યાર્થીઓને પ્રવેશ અપાવી શાળામાં સ્વાગત કરી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા શૈક્ષણિક કીટ આપે છે. શાળાઓમાં ડ્રોપ આઉટ રેટ ઘટે, શિક્ષણની ગુણવત્તા વધે, ૧૦૦% નામાંકન થાય તે હેતુથી શાળા પ્રવેશોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે. સરકારે આ કાર્યક્રમને આગળ ધપાવવા માટે અનેક પગલાંઓ લીધા છે. સરકારી શાળાઓમાં ક્વોલિફાઇડ શિક્ષકો વિદ્યાર્થીઓને શિક્ષણ આપે છે. અગાઉ શાળાઓમાં ગ્રાન્ટના અભાવે વીજળી, શૌચાલય અને પાણીની સુવિધાઓ પણ ન હતી. હવે શાળાઓમાં આધુનિક કોમ્પ્યુટર લેબ, સ્કૂલ ઓફ એક્સલેન્સના પરિણામે શિક્ષણમાં સુધાર થયો છે. વડાપ્રધાન નરેન્દ્રમોદીની આગેવાની હેઠળ શિક્ષણ નીતિમાં બદલાવ આવતા વિદ્યાર્થીઓમાં પણ નવા જ્ઞાનનું સિંચન થયું છે. જામજોધપુર તાલુકાની મોટાવડીયા પ્રાથમિક શાળાનો A ગ્રેડમાં સમાવેશ થયેલ હોય મંત્રીએ શાળાના આચાર્ય, શિક્ષકો અને ગામના આગેવાનોને અભિનંદન પાઠવ્યા હતા.

આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓએ સ્વાગત ગીત, શાળા પ્રવેશોત્સવ અંગે ગીત, સ્વચ્છતા અભિયાન, બેટી બચાઓ બેટી પઢાઓ વિષય પર વક્તવ્ય આપ્યું હતું. તેમજ શાળાના શ્રેષ્ઠ, મધ્યમ તેમજ નબળા વિદ્યાર્થીઓનું પણ સમ્માન કરી તેઓને આગળ વધવા પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.

અહેવાલ :- સલમાન ખાન (જામનગર)