જામનગર જિલ્લામાં મંત્રી મુળુભાઈ બેરાના અધ્યક્ષસ્થાને જામજોધપુર તાલુકામાં શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ- 2024 અંતર્ગત કાર્યક્રમો યોજાયા.

જામનગર

સમગ્ર રાજ્યમાં તારીખ 26 જૂનથી આગામી તારીખ 28 જૂન સુધી શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ 2024ની ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે. અનેક ભૂલકાઓ આજના દિવસે શિક્ષણ તરફ તેમની પ્રથમ પા પા પગલી માંડવા જઈ રહ્યા છે. ત્યારે જામનગર જિલ્લામાં પ્રવાસન, સાંસ્કૃતિક પ્રવૃતિઓ, વન અને પર્યાવરણ, કલાઇમેટ ચેન્જ વિભાગના મંત્રી મુળુભાઈ બેરાના અધ્યક્ષસ્થાને જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકામાં શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ- 2024 અંતર્ગત કાર્યક્રમો યોજાયા હતા.

જામજોધપુર તાલુકામાં આવેલ ઝીણાવારી પ્રાથમિક શાળા, કરસનપર પ્રાથમિક શાળા, મોટી ગોપ પ્રાથમિક શાળા અને મોટી ગોપ માધ્યમિક શાળા ખાતે કેબિનેટ મંત્રી અને અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં બાળકોને આંગણવાડી, બાળ વાટિકા, પહેલા ધોરણમાં અને નવમા ધોરણમાં પ્રવેશ અપાવવામાં આવ્યો હતો. ત્રણેય શાળાઓમાં મળીને કુલ 220 બાળકો જેમાં બાળ વાટિકામાં 54 બાળકો, આંગણવાડીમાં 82 બાળકો, પહેલા ધોરણમાં 62 બાળકો અને નવમા ધોરણમાં 22 બાળકોએ પ્રવેશ મેળવ્યો હતો. આ સાથે બાળકોને શૈક્ષણિક કીટ, સાહિત્ય વિતરણ, તેજસ્વી બાળકોને પ્રોત્સાહન પૂરું પાડવા માટે ઈનામ વિતરણ અને સ્કૂલ બેગ અર્પણ કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે જામજોધપુર એ.પી.એમ.સી. ના સહયોગથી કાર્યક્રમમાં લાભાર્થી તમામ બાળકોને શૈક્ષણિક કીટ અર્પણ કરવામાં આવી હતી. કાર્યક્રમ દરમિયાન નાના ભુલકાઓએ બાળગીતો પર સુંદર પ્રસ્તુતિ રજૂ કરી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન શાળાના વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના અંતે ઉપસ્થિત સર્વેએ શિક્ષણ પ્રતિજ્ઞા ગ્રહણ કરી હતી. મહાનુભાવોના હસ્તે શાળાના પરિસરમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.

અહેવાલ:- સલમાન ખાન (જામનગર)