જામનગર જિલ્લા પંચાયતની આઈસીડીએસ શાખા દ્વારા 15 સ્માર્ટ આંગણવાડીઓનું ઈ- લોકાર્પણ કરાયું

જામનગર
જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી મેયબેન ગરસરના અધ્યક્ષસ્થાને આઈસીડીએસ શાખા દ્વારા નવનિર્મિત 15 સ્માર્ટ આંગણવાડીઓનું ઈ- લોકાર્પણ કરવામાં આવ્યું હતું. જામનગર જિલ્લા પંચાયતની વર્ષ 2023- 24 ની સ્વભંડોળની ગ્રાન્ટમાંથી સમગ્ર જિલ્લામાં 15 સ્માર્ટ આંગણવાડીનું નિર્માણ કરવામાં આવ્યું છે.

કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય વડે કરાઈ હતી. દીપ પ્રાગટ્ય કરાયા બાદ આંગણવાડીના ભૂલકાઓએ બાળગીત પર સુંદર નૃત્યની પ્રસ્તુતિ કરી હતી. સમગ્ર વર્ષ દરમિયાન જિલ્લાના વિવિધ આંગણવાડી કેન્દ્રોમાં શ્રેષ્ઠ ફરજ બજાવનાર આંગણવાડી કાર્યકરોનું શિલ્ડ આપીને તેમનું સન્માન કરવામાં આવ્યું હતું. મહેમાનોને ભેટ સ્વરૂપે પુષ્પગુચ્છના બદલે આંગણવાડીના બાળકોએ તૈયાર કરેલી પ્રતિકૃતિ આપવામાં આવી હતી.

જામનગર જિલ્લામાં જગા, ખીજડીયા, સરમત, સિક્કા, દરજી શેરી, નાના ગરેડીયા, જોડિયા, કાલાવડ, મેમાણા, જોગવડ, જામજોધપુર, તરસાઈ, મોટા વડીયા મળીને કુલ 15 સ્માર્ટ આંગણવાડી કેન્દ્રોનું નવનિર્માણ કરવામાં આવ્યું છે. તેમજ આંગણવાડીઓની વિવિધ સેવાઓ, ઉપલબ્ધિઓ દર્શાવતું સુંદર વિડીયો ગીત ”અમે કોણ, અમે આંગણવાડીવાળા” નું મંચસ્થ મહાનુભાવોના હસ્તે લોન્ચિંગ કરવામાં આવ્યું હતું.

જામનગર જિલ્લા પંચાયતની વર્ષ 2023-24 ની સ્વભંડોળની રૂ.15 લાખની ગ્રાન્ટમાંથી એક આંગણવાડી કેન્દ્ર દીઠ રૂ.1 લાખનું બજેટ ફાળવવામાં આવ્યું હતું. જેના અનુસંધાને કુલ રૂ.15 લાખના ખર્ચે 15 સ્માર્ટ આંગણવાડી કેન્દ્રો બનાવવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે જામનગર જિલ્લા પંચાયતની વર્ષ 2021- 22 ની સ્વભંડોળની ગ્રાન્ટમાંથી સમગ્ર જિલ્લામાં 10 જેટલા સ્માર્ટ આંગણવાડી કેન્દ્રોનું નિર્માણ કરાયું હતું.

સ્માર્ટ આંગણવાડી એટલે શું ?

સ્માર્ટ આંગણવાડી કેન્દ્રોમાં વોટર પ્રુફિંગ કલરકામ, આકર્ષક ચિત્રકામ, શરીર, ફળો, શાકભાજી, વાહન, પશુ, પક્ષી, ઋતુ, તહેવારો વગેરે માહિતીસભર ચાર્ટ્સ, રસોઈ માટેના તમામ સાધનો, ડીશ કનેક્શન, એલઈડી ટીવી, બ્લ્યુટુથ માઈક જેવી નાની મોટી તમામ સુવિધાઓ ઉપલબ્ધ હોય છે. બાળકોને તેમના ઘર જેવું જ વાતાવરણ આંગણવાડી કેન્દ્રમાં મળે તે માટે સમગ્ર સ્ટાફ મિત્રો દ્વારા નાની નાની વાતોની કાળજી લેવામાં આવે છે. બાળકોને દરરોજ પૌષ્ટિક તત્વોથી ભરપૂર સવારનો નાસ્તો અને ભાવતા ભોજનીયા પીરસવામાં આવે છે.

ડિસ્ટ્રીક્ટ આઈસીડીએસ પ્રોગ્રામ ઓફિસર સુશ્રી બિનલ સુથારે ઉપસ્થિત સર્વેનું શાબ્દિક સ્વાગત કર્યું હતું. કાર્યક્રમના અંતે ધ્રોલ સીડીપીઓ શ્રી નર્મદા થોરિયાએ આભારવિધિ કરી હતી. ઉક્ત કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારી શ્રી વિકલ્પ ભારદ્વાજ, જિલ્લા પંચાયતના પદાધિકારીઓ સર્વે શ્રીમતી ભાવનાબેન ભેંસદડિયા, શ્રીમતી પ્રવિણાબેન ચભાડીયા, શ્રીમતી ગોમતીબેન ચાવડા, આરોગ્ય અધિકારી શ્રી ડો.નૂપુર પ્રસાદ, આઈસીડીએસ શાખાના અધિકારીગણ, કર્મચારીગણ, વિવિધ આંગણવાડીના કાર્યકર બહેનો, તેડાગર બહેનો, મુખ્ય સેવિકા બહેનો, આંગણવાડીમાં અભ્યાસ કરતા ભૂલકાઓ, વાલીઓ અને બહોળી સંખ્યામાં લાભાર્થીઓ હાજર રહ્યા હતા.

અહેવાલ: સલમાન ખાન (જામનગર)