જામનગર તાલુકાઓમાં અડધા ઇંચ થી માંડી ચાર ઇંચ જેટલો વરસાદ નોંધાયો જેમાં વીજળી પડતા અને પુરના કારણે ચાર માનવ મૃત્યુ અને ૨૦ થી વધુ પશુઓના મોત થયા.

જામનગર

ગત રોજ જામનગર તાલુકાઓમાં અડધા ઇંચ થી માંડી ચાર ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. જ્યારે વીજળી પડતા અને પુરના કારણે ચાર માનવ મૃત્યુ અને ૨૦ થી વધુ પશુઓના મૃત્યુ પણ નીપજ્યા છે. કાલાવડ પંથકમાં સૌથી વધુ વરસાદ ખાબકયો હતો, જેના કારણે ગ્રામ્ય વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ સર્જાઇ હતી. છતર ગામે પુરમાં તણાયેલા પ્રૌઢને યુવાનોની ટીમેં હેમખેમ ઉગારી લીધા છે. જ્યારે વૃદ્ધનું મોટરસાયકલ નદીમાં તણાઈ ગયું હતું.

જામનગર જિલ્લાના છ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં આજે પુરા થતા 24 કલાકના સવારના 6:00 વાગ્યાના ગાળા સુધીમાં અડધાથી માંડી ચાર ઇંચ વરસાદ નોંધાયો છે જેમાં જામનગર તાલુકાના મોટી ભલસાણ ગામે અડધો ઇંચ વરસાદ નોંધાયો છે. જ્યારે જોડીયા તાલુકાના પીઠડ અને બાલંભા ગામે એક એક ઇંચ વરસાદ પડ્યો હતો.

ધ્રોલ તાલુકાની વાત કરવામાં આવે તો તાલુકા મથક અને ગ્રામ્ય વિસ્તારમાં ગઈકાલે વરસાદ નોંધાયો નથી. જ્યારે કાલાવડ તાલુકા અને પંથકમાં સૌથી વધુ વરસાદ નોંધાયો હતો જેમાં ખરેડી ગામે ચાર ઇંચ જ્યારે નવા ગામમાં પોણા બે ઇંચ, મોટા પાંચ દેવડામાં અડધો ઇંચ,વલસાણ બેરાજા ગામે પણ અડધો ઇંચ વરસાદ વરસ્યો છે.

જ્યારે જામજોધપુર તાલુકાના સમાણા ગામે અડધો ઇંચ અને શેઠ વડાળામાં ત્રણ ઇંચ, વાંસડિયામાં સવા ઇંચ, ગુંદડામાં પોણા બે ઇંચ, ધ્રાફામાં એક ઇંચ વરસાદ નોંધાયો છે. જ્યારે જામવાડી અને પરડવામાં પણ સારો વરસાદ પડ્યો હતો.

લાલપુર તાલુકાની વાત કરવામાં આવે તો પીપરટોડા અને હરીપરમાં અડધો ઇંચ જ્યારે મોટા ખડબા ગામે એક ઇંચ ઉપરાંત વરસાદ વરસ્યો હતો જ્યારે ભણગોર ગામે પણ ઝાપટા પડ્યા હતા

અહેવાલ :- સલમાન ખાન (જામનગર)