‘આઝાદી કા અમૃત મહોત્સવ’ અંતર્ગત “હર ઘર તિરંગા, હર ઘર સ્વચ્છતા: સ્વતંત્રતા કા ઉત્સવ, સ્વચ્છતા કે સંગ” અભિયાનને સફળ બનાવવા જિલ્લા વહીવટી તંત્ર અને નગરપાલિકાઓના સંકલનથી કોડીનાર, ઉના, તાલાલા, સૂત્રાપાડા અને વેરાવળ-પાટણ સંયુક્ત નગરપાલિકાઓ ખાતે ભવ્ય તિરંગા યાત્રાઓનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ યાત્રાનો મુખ્ય હેતુ નાગરિકોમાં દેશપ્રેમની ભાવના પ્રસરાવવાનો, રાષ્ટ્રીય ધ્વજ પ્રત્યે ગૌરવની લાગણી વધારવાનો અને દરેક ઘરમાં તિરંગો ફરકાવવાની પ્રેરણા આપવાનો હતો.
કોડીનારમાં કુમાર શાળા થી મ્યુનિસિપલ ગર્લ્સ હાઈસ્કૂલ સુધી, ઉનામાં ત્રિકોણ બાગ થી ટાવર ચોક, મુખ્ય બજાર, વડલા ચોક થી નગરપાલિકા કચેરી સુધી, તાલાલામાં સરદાર ચોક થી ગીરીનામા ચોક સુધી, સૂત્રાપાડામાં વિવેકાનંદ વિનય મંદિર શાળા થી હોળી ખાડો ચામુંડા માતાજી મંદિર સુધી અને વેરાવળમાં ટાવર ચોક, લાઇબ્રેરી, સટ્ટા બજાર, સુભાષ રોડ, એમ.જી. રોડ, શાક માર્કેટ અને ટાવર ચોક સુધી તિરંગા રેલીઓ ભવ્ય રીતે યોજાઈ.
રેલીઓ દરમિયાન દેશભક્તિ અને શૌર્યસભર ગીતોના સ્વરો ગૂંજી ઉઠ્યા હતાં. શાળાના વિદ્યાર્થીઓએ સ્વતંત્રતા સેનાનીઓના વેશ ધારણ કરી સૌનું મન મોહી લીધું હતું.
ભાવનગર ઝોનના પ્રાદેશિક કમિશનર દ્વારા નાગરિકોને ફ્લેગ કોડ મુજબ રાષ્ટ્રીય ધ્વજ ફરકાવવાનો અનુરોધ કરવામાં આવ્યો હતો તેમજ ભારત સરકારના અધિકૃત પોર્ટલ https://harghartiranga.com પર રજીસ્ટ્રેશન કરવા પ્રેરણા આપવામાં આવી હતી.
આ યાત્રાઓમાં સ્થાનિક નાગરિકો, શાળા-કોલેજના વિદ્યાર્થીઓ, મહિલા મંડળો, સ્વયંસેવક સંસ્થાઓ અને નગરપાલિકાના પદાધિકારીઓએ સક્રિય સહભાગિતા નોંધાવી હતી. સમગ્ર કાર્યક્રમ દેશભક્તિની લાગણીઓ અને એકતાના સંદેશ સાથે યાદગાર બન્યો હતો.
અહેવાલ: પ્રકાશ કારાણી, વેરાવળ-સોમનાથ