જિલ્લામાં વિવિધ સ્થળોએ સીસીટીવી કેમેરા લગાવવા અંગેનું જાહેરનામું પ્રસિદ્ધ.

ગીર સોમનાથ જિલ્લો સુપ્રસિદ્ધ પ્રવાસન સ્થળ ધરાવતો જિલ્લો છે. દેશ-વિદેશમાંથી અસંખ્ય લોકો યાત્રાધામની મુલાકાતે આવતાં હોવાના કારણે સ્થાનિક વિસ્તારથી માહિતગાર થઈ ગેરકાયદેસર પ્રવૃત્તિઓને અંજામ આપતાં અટકાવવા અને લોકોની માલ-મિલકતને નુકસાન ન થાય તે માટે તકેદારીના પગલાના ભાગરૂપે જિલ્લામાં વિવિધ સ્થળોએ સીસીટીવી કેમેરા લગાવવા અંગેનું જાહેરનામું જિલ્લા મેજિસ્ટ્રેટ શ્રી દિગ્વિજયસિંહ જાડેજા દ્વારા પ્રસિદ્ધ કરાયું છે,

      આ જાહેરનામામાં જણાવ્યા અનુસાર, જિલ્લામાં સમાવિષ્ટ તમામ બેંકો, તમામ એ.ટી.એમ. (A.T.M.) સેન્ટરો, સોના-ચાંદી-ડાયમંડના કિંમતી ઝવેરાતના શો-રૂમ તથા શોપિંગ મોલ, મલ્ટીપ્લેક્ષ થીએટર, એલ.પી.જી.-પેટ્રોલ-ડીઝલના પેટ્રોલીયમ કંપનીના સ્ટોરેજ ડેપોના પ્રવેશદ્વાર પર સિકયુરિટી મેનની ફરજ પર નિયુક્તિ કરવા અંગે તેમજ મુખ્ય પ્રવેશદ્વારો પર તથા બહાર નીકળવાના દ્વાર પર રોડ પરથી પ્રવેશ કરનાર અને બહાર નીકળનારના રોડ સુધીના રેકોર્ડીંગ સ્પષ્ટ રીતે પ્રાપ્ત થઈ શકે તે રીતે રીસેપ્શન કાઉન્ટર, લોબી, બેઝમેન્ટ, પાર્કિંગની જગ્યાઓ, જાહેર પ્રજા માટે જયાં પ્રવેશ હોય ત્યાં તમામ જગ્યાઓ આવરી લેવામાં આવે તેટલી સંખ્યામાં સી.સી.ટી.વી. કેમેરાની વ્યવસ્થા કરવાની રહેશે,

      આ ઉપરાંત હાઈ–વે પર આવેલા તમામ પેટ્રોલ પંપના ફીલીંગ સ્ટેશન પર, પેટ્રોલ પંપની આજુબાજુમાં આવેલી દુકાનો પર ગાડીના નંબર અને ગાડીના ડ્રાઈવર તથા ડ્રાઈવરની બાજુમાં બેસેલા વ્યકિતઓનું રેર્કોડીંગ થઈ શકે તે રીતે હાઈડેફીનેશનવાળા નાઈટ વિઝન ધરાવતા સી.સી.ટી.વી. કેમેરા રાખવાના રહેશે. તમામ હોટલના ભોજનકક્ષ અને હોટલની આજુબાજુમાં આવેલી દુકાનો પર ગાડીના નંબર દેખાય તે રીતે તથા ભોજનકક્ષમાં બેઠેલા તમામ વ્યકિતનું રેર્કોડીંગ થઈ શકે તેમજ હોટલમાં આવતી-જતી તમામ વ્યકિતઓનું રેર્કોડીંગ થઈ શકે તે રીતે હાઈ-ડેફીનેશનવાળા નાઈટ વિઝન ધરાવતા સી.સી.ટી.વી. કેમેરા રાખવાના રહેશે,

ગીર સોમનાથ જિલ્લાના સમગ્ર વિસ્તારમાં આવેલી દરેક હોટલ, સિનેમાહોલ, મોટા મંદિરો, સાયબર કાફેમાં સારી કવોલીટીના સી.સી.ટી.વી. કેમેરા લગાવવાના રહેશે. સી.સી.ટી.વી. કેમેરા સતત ૨૪ કલાક ચાલુ રહે તે જોવાની જવાબદારી જે-તે માલિકો/ વહીવટકર્તાઓની રહેશે,

સી.સી.ટી.વી. કેમેરાની વ્યવસ્થા તમામ એકમોએ જાહેરનામું પ્રસિદ્ધ થયાંના સાત દિવસમાં કરવાની રહેશે અને સી.સી.ટી.વી. કેમેરાનું રેર્કોડીંગ ઓછામાં ઓછા ૩૦ દિવસ સુધી રાખવા માટે પણ આ જાહેરનામામાં જણાવવામાં આવ્યું છે. તેમજ બિલ્ડિંગના બહારના ભાગે પી.ટી.ઝેડ કેમેરા લગાવવાના રહેશે. તમામ પાર્કિંગની જગ્યામાં સંપૂર્ણ જગ્યાનું કવેરજ થાય તે રીતે કેમેરા ગોઠવવાના રહેશે,

આ ઉપરાંત જિલ્લામાં નવા શરૂ થતાં એકમોએ ઉપરોક્ત વ્યવસ્થા કર્યા બાદ જ કામધંધો શરૂ કરવાનો રહેશે. આ જાહેરનામું તા.૧૦-૦૨-૨૦૨૫થી ૬૦ દિવસ સુધી અમલમાં રહેશે. આ જાહેરનામાનો ભંગ કરનાર વ્યક્તિ શિક્ષાને પાત્ર બનશે.

અહેવાલ: પ્રકાશભાઈ કારાણી (વેરાવળ સોમનાથ)