મંડળીના પ્રમુખ અને હોદેદારો વિરૂદ્ધ કોડીનાર પોલીસ સ્ટેશન ખાતે લેન્ડ ગ્રબિંગ એક્ટ હેઠળ ફરિયાદ
મંડળીના પ્રમુખ અને હોદ્દેદારો ગેરકાયદેસર ૭૦ હેકટર સરકારી જમીન પર કબજો કરીને ઝીંગા ઉછેરની આર્થિક પ્રવૃત્તિ કરતા હતા.
કોડિનાર તાલુકાના કાજ ગામના સર્વે નંબર-૨૭૫/પૈ.૧ ની હે ૯૬-૦૫-૧૩ ચો.મી. તથા સર્વે નંબર- ૨૭૬ ની હે ૩૦-૭૫-૧૭ ચો.મી., સર્વે નંબર-૨૭૭ ની હે ૭૬ -૬૧-૭૬ ચો.મી. તથા સર્વે નંબર-૨૭૮ ની હે ૪૬-૫૭-૯૪ ચો.મી. જમીન શ્રી સરકાર હસ્તક આવેલ છે.આ પૈકી હે.૫૦-૦૦-૦૦ ચો.મી. જમીન શ્રી વેલણ મત્સ્યોદ્યોગ સેવા સહકારી મંડળીને કલેકટર,ગીર સોમનાથના તા.૧૭/૦૯/૨૦૧૪ ના હુકમથી ઝીંગા ઉછેરની પ્રવૃત્તિ હેતુ ફાળવવામાં આવેલ હતી.પરંતુ મદદનીશ મત્સ્યોદ્યોગ નિયામક,વેરાવળ દ્વારા ઉકત ફાળવણીનો હુકમ રદ કરવા ભલામણ કરતા કલેકટર ગીરસોમનાથ દ્વારા તેના તા.૨૦/૧૦/૨૦૧૪ના હુકમથી સદર ફાળવણીનો હુકમ રદ કરવામાં આવેલ.ત્યારબાદ સામેવાળા દ્વારા ઉતરોતર અપીલ કરતા સચિવ,મહેસૂલ(વિવાદ) દ્વારા કલેક્ટર, ગીર સોમનાથ નો તા.૨૦/૧૦/૨૦૨૪ નો હુકમ રદ કરવામાં આવેલ હતો.હાલ સરકાર પક્ષે સ્પે. સી.એ. નં.૧૩૧૩૮/૨૦૧૭થી નામ.ગુજરાત હાઈકોર્ટમાં ઉકત સચિવ,મહેસૂલ(વિવાદ)નો હુકમ રદ કરવા દાવો દાખલ કરેલ છે તેમજ હાલ કોઈ મનાઈ હુકમ પણ થયેલ નથી.
પરંતુ સવાલવાળી જમીનનો કબ્જો કયારેય કલેકટર, ગીર સોમનાથના તા.૧૭/૦૯/૨૦૧૪ ના હુકમ મુજબ સોંપવામાં આવેલ ન હોય તેમજ સવાલવાળી જમીનમાં પ્રવેશવા માટે કોઈ રજાચિઢ્ઢી આપવામાં આવેલ ન હોવા છતાં વેલણ મત્સ્યોદ્યોગ સેવા સહકારી મંડળી લી.ના પ્રમુખ તથા અન્ય હોદેદારો દ્વારા પોતાના અંગત આર્થિક લાભ માટે, કોઈ પણ જાતની મંજૂરી વગર કાજ ગામે હે.૭૦-૩૮-૩૩ ચો.મી. જમીન પર ગેરકાયદેસર રીતે કબ્જો કરીને વર્ષોથી ઝીંગા ઉછેરની પ્રવૃત્તિ કરી આર્થિક ઉપાર્જન કરતા હોવાનું ધ્યાને આવતા મામલતદાર, કોડીનાર દ્વારા ગુજરાત લેન્ડ ગ્રેબિંગ એક્ટ -૨૦૨૦ હેઠળ તા.૧૮/૦૨/ ૨૦૨૪ ના રોજ સ્યુઓમોટો અરજી કરતા, જિલ્લા કલેકટર દિગ્વિજયસિંહ ડી. જાડેજાના અઘ્યક્ષ સ્થાને તા.૨૪/૦૨/ ૨૦૨૫ ના રોજ યોજાયેલ જિલ્લા લેન્ડ ગ્રેબીંગ કમિટીની બેઠકમાં સર્વાનુમતે વેલણ મત્સ્યોદ્યોગ સેવા સહકારી મંડળીના પ્રમુખ અને અન્ય હોદેદારો વિરૂદ્ધ સરકારી જમીનમાં કોઈ પણ જાતની પરવાનગી વગર અનધિકૃત કબ્જો કરીને આર્થિક ઉપાર્જન મેળવતા હોવાના કારણોસર પોલીસ ફરિયાદ દાખલ કરવાનું નક્કી થતાં આજરોજ તા.૨૫/૦૨/ ૨૦૨૫ ના રોજ કોડીનાર પોલીસ સ્ટેશન ખાતે ગુજરાત લેન્ડ ગેબિંગ એક્ટ -૨૦૨૦ની કલમ – ૩,૪(૩),૫(c) ,૫(e),૬(૧),૬(૨) હેઠળ મંડળીના પ્રમુખ અને અન્ય હોદેદારો સહિત કુલ ૧૧ વ્યક્તિ સામે ગુન્હો નોંધવામાં આવેલ હતો.
અહેવાલ : પ્રકાશ કારાણી વેરાવળ સોમનાથ.