જૂનાગઢ, તા. ૨૮ મે:
87-વિસાવદર વિધાનસભા મતવિસ્તારની પેટા ચૂંટણીનું મતદાન તા. 19 જૂન 2025 ના રોજ યોજાનાર છે. ચૂંટણી પ્રક્રિયા સુવ્યવસ્થિત અને નિષ્પક્ષ રીતે ચાલે તે માટે જૂનાગઢ જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર અનિલ રાણાવસિયાની દેખરેખ હેઠળ પ્રથમ રેન્ડમાઇઝેશન સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવ્યું છે.
આ કોમ્પ્યુટર આધારિત રેન્ડમાઇઝેશનમાં કુલ 1059 અધિકારી-કર્મચારીઓને પ્રિસાઈડિંગ ઓફિસર, પોલિંગ-1 અને પોલિંગ ઓફિસર તરીકે ફરજ સોંપવામાં આવી છે. આ પ્રક્રિયા કલેક્ટર કચેરી ખાતે યોજાઈ હતી.
આગામી દિવસોમાં બીજું રેન્ડમાઇઝેશન યોજાઇ ટીમ ફોર્મેશન અને ત્રીજું રેન્ડમાઇઝેશનમાં કુલ બૂથોની ફાળવણી કરવામાં આવશે.
જિલ્લા કલેક્ટર અને ચૂંટણી અધિકારી અનિલ રાણાવસિયાએ જણાવ્યું કે, માનવીય હસ્તક્ષેપ વગર કોમ્પ્યુટર આધારિત પદ્ધતિ દ્વારા અધિકારી-કર્મચારીઓની ફરજની સોંપણી થવાથી ચૂંટણી પ્રક્રિયા સંપૂર્ણ રીતે તટસ્થ અને નિષ્પક્ષ રહેશે.
આ પ્રસંગે નિવાસી અધિક કલેક્ટર પી.એ. જાડેજા અને નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી ડી.જે. જાડેજા પણ હાજર રહ્યા હતા.
અહેવાલ: નરેન્દ્ર દવે અને જગદીશ યાદવ, જૂનાગઢ