જિલ્લા પંચાયતના સભાખંડમાં યોજાયો પોષણ સંગમ કાર્યક્રમ, કુપોષિત બાળકોને સુપોષિત બનાવવા માર્ગદર્શન

ઈણાજ જિલ્લામાં કુપોષિત બાળકોને તબક્કાવાર સુપોષિત બનાવવા માટે જિલ્લા પંચાયતના સભાખંડમાં પોષણ સંગમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ આંગણવાડી વિભાગ તથા આરોગ્ય વિભાગ દ્વારા સંકલિત રીતે યોજાયેલા કાર્યક્રમમાં, આંગણવાડી બહેનોને પોષણ સંગમ એપ્લિકેશન, પોષણ સંગમ મોડ્યુલર, પોષણ સંગમ પત્રક અને વાલી કાર્ડ જેવા મહત્વપૂર્ણ સાધનો વિશે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

એન.એન.એમ. યોજના નાયબ નિયામક નેહા કંથારિયાએ જણાવ્યું કે, બાળકોનું સુપોષણ માત્ર ખોરાક પૂરતો નહીં, પરંતુ જીવનશૈલીમાં પણ સુધારો લાવવો આવશ્યક છે. યોગ્ય પોષણ, કાળજી અને સમયસર સારવાર દ્વારા સમગ્ર જિલ્લાની બાળસંખ્યા સુપોષિત બનાવી શકાય તે માટે લોકજાગૃતિ અને જનભાગીદારી અનિવાર્ય છે.

રાજકોટ વિભાગ નાયબ નિયામક પૂર્વિ પંચાલે જણાવ્યું કે, માતા-પિતા અને વાલીઓની સક્રિય ભાગીદારીથી જ બાળકોને યોગ્ય પોષણ મળે અને સગર્ભા સ્ત્રીઓ તેમજ માતાઓને પણ પોષણયુક્ત આહાર મળવો જરૂરી છે. આ કાર્યક્રમ આઈ.સી.ડી.એસ. અને આરોગ્ય વિભાગની ટીમ દ્વારા સુનિયોજિત સંકલનથી કાર્યાન્વિત થવાની સાથે પોષણ સંગમ એપ્લિકેશન દ્વારા સમયસર દૈનિક પોષણ અને સારવારનું રેકોર્ડિંગ અને અનુસંધાન કરવામાં આવશે.

કાર્યક્રમમાં આઈ.સી.ડી.એસ. પ્રોગ્રામ ઓફિસર હીરાબહેન રાજશાખાએ મહાનુભાવોનું સ્વાગત કર્યું હતું. પોષણયુક્ત વાનગીઓ જેમ કે બાલશક્તિ પૂરી, સક્કરપારા, સૂખડી, બટેટાવડા અને ઉપમા નું પ્રદર્શન પણ આ દરમિયાન યોજાયું હતું.

પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન મારફતે કુપોષણની ઓળખ, જરૂરી સારવાર, ભૂખ પરીક્ષણ, પોષણ-આરોગ્ય, શિક્ષણ અને સ્વચ્છતા જેવા વિવિધ આયામો પર વિસ્તૃત સમજણ આપવામાં આવી હતી.

આ કાર્યક્રમમાં ઉના, તાલાલા, કોડિનાર, વેરાવળ, સુત્રાપાડા સી.ડી.પી.ઓ, ડારી સરપંચ, મુખ્ય સેવિકાઓ અને આંગણવાડી બહેનોને હાજર રહ્યા.

આ કાર્યક્રમ દ્વારા જિલ્લાની બાળકોની સમૃદ્ધિ અને સ્વસ્થ વિકાસ માટે મજબૂત પગલાં ભરાયા હોવાનું જાહેર થયું છે.

અહેવાલ : પ્રકાશ કારાણી, વેરાવળ