જિલ્લા પંચાયત ઈણાજ ખાતે ‘મહિલા નેતૃત્વ દિવસ’ ઉજવાયો – અગ્રેસર મહિલા ખેડૂતોને પ્રમાણપત્ર આપી સન્માન.

જિલ્લામાં ૧ ઓગસ્ટથી ૮ ઓગસ્ટ, ૨૦૨૫ સુધી ઉજવાતા નારી વંદન ઉત્સવના ભાગરૂપે જિલ્લા મહિલા અને બાળ અધિકારી કચેરી તથા વહીવટી તંત્રના સંયુક્ત ઉપક્રમે ઈણાજ સ્થિત જિલ્લા પંચાયત ખાતે **‘મહિલા નેતૃત્વ દિવસ’**ની ભવ્ય ઉજવણી કરવામાં આવી.

કાર્યક્રમની શરૂઆતમાં દહેજ પ્રતિબંધક સહરક્ષણ અધિકારી સોનલબેન રાઠોડે નારી શક્તિ પ્રત્યે સમાજમાં ગૌરવ અને સન્માનનું વાતાવરણ ઊભું કરવાનું મહત્વ સમજાવ્યું. તેમણે મહિલા સશક્તિકરણ, સુરક્ષા અને સ્વાસ્થ્ય અંગે પ્રેરણાદાયી ઉદબોધન આપ્યું.

પૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખ રામીબહેન વાજાે પોતાના સંબોધનમાં જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની આગેવાનીમાં મહિલા સશક્તિકરણને નવી દિશા મળી છે. આજની નારી જમીનથી લઈને અવકાશ સુધીના દરેક ક્ષેત્રમાં પુરુષ સમોવડી બની રહી છે. સરકારી ક્ષેત્રોમાં આઈ.સી.ડી.એસ., આંગણવાડી, શિક્ષણ, પોલીસ સહિતના વિભાગોમાં મહિલાઓની નોંધપાત્ર હાજરી પ્રગતિનું દ્યોતક છે.

આઈ.સી.ડી.એસ.ના હીરાબહેન રાજશાખાે સરકારની વિવિધ યોજનાઓ અંગે માહિતી આપી અને મહિલાઓને સ્વબળે નેતૃત્વ સંભાળવા પ્રોત્સાહિત કરી. મનિષાબહેને ૧૮૧ મહિલા હેલ્પલાઈનની કાર્યપદ્ધતિ તેમજ મહિલા અને બાળ અધિકારી કચેરી હસ્તક ચાલતી યોજનાઓની વિગતવાર જાણકારી આપી.

કાર્યક્રમમાં બાલિકા પંચાયતના સરપંચ અને સભ્યો સાથે લીડરશીપ, પંચાયતી રાજ અને સામાજિક અન્વેષણ મુદ્દે સંવાદ યોજાયો તથા તેમને મોમેન્ટો આપવામાં આવ્યા. ખેતીમાં અગ્રેસર મહિલા ખેડૂતોને પણ પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા.

આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન સખી વન સ્ટોપ સેન્ટરની રસીલાબહેન દ્વારા કરવામાં આવ્યું. કાર્યક્રમમાં ખેતીવાડી વિભાગ, આંગણવાડી વિભાગ, મહિલા અને બાળ અધિકારી કચેરી તેમજ સખી વન સ્ટોપ સેન્ટરના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા.

અહેવાલ: પ્રકાશ કારાણી, વેરાવળ-સોમનાથ