જૂનાગઢ : જૂનાગઢ મહાનગરપાલિકા સંચાલિત ગૌશાળાને ‘ફ્રેન્ડસ ઓફ કેટલ’ અભિયાન હેઠળ ગિરનારી ગ્રુપ દ્વારા ૧૧ મણ લાડૂ, વિજયભાઈ કાપડિયા દ્વારા ૮૦ મણ લીલી મકાઈ તેમજ કમલેશભાઈ મનસુખભાઈ દ્વારા રૂ. ૫૦૦/- નું રોકડ દાન આપવામાં આવ્યું છે.
જૂનાગઢ મહાનગરપાલિકા કમિશનર ડૉ. ઓમપ્રકાશની સુચના મુજબ નાયબ કમિશનર એ.એસ. ઝાંપડા અને ડી.જે. જાડેજા દ્વારા શહેરના હદ વિસ્તારમાંથી રખડતા ગૌવંશને અટકાવવા માટે સતત કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. જાહેરમાં અનધિકૃત ઘાસચારો વેચવા અથવા નાખવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે.
તા. ૨૩ માર્ચ, ૨૦૨૫ ના રોજ ઝાંઝરડા ચોકડી પાસે આવેલા જલારામ ભક્તિધામ ખાતે ગિરનારી ગ્રુપ દ્વારા જૂનાગઢ મહાનગરપાલિકા હસ્તકની ગૌશાળામાં ગૌ માતાઓ માટે ૧૧ મણ લાડૂ બનાવવામાં આવ્યા હતા. આ લાડૂમાં ગોળ, તેલ અને ભુસુનો મિશ્રણ કરાયો હતો. ગ્રુપના સભ્યો સમીરભાઈ દતાણી, સંજયભાઈ બુહેચા, દિનેશભાઈ રામાણી, ચિરાગભાઈ કોરડે, હરિભાઈ કારીયા, ભરતભાઈ સંપટ અને અન્ય લોકોએ આ સેવા આપી હતી.
આજ રોજ, તા. ૨૪ માર્ચ, ૨૦૨૫ ના રોજ ખામધ્રોળ રોડ ટોરેન્ટ ગેસ નજીક ગૌશાળામાં વિજયભાઈ કાપડિયા દ્વારા ૮૦ મણ લીલી મકાઈ અને કમલેશભાઈ મનસુખભાઈ દ્વારા રૂ. ૫૦૦/- નું રોકડ દાન આપવામાં આવ્યું છે.
જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા શહેરીજનોને અપીલ કરવામાં આવી છે કે, જે લોકો ગૌવંશ માટે ઘાસચારો અથવા દાન આપવા માંગતા હોય, તેમણે મહાનગરપાલિકા હસ્તકની ગૌશાળામાં સંપર્ક કરવો. દાન આપનારને પક્કી રસીદ આપવામાં આવશે. દાન માટે ખામધ્રોળ ટોરેન્ટ ગેસ નજીક ગૌશાળા, ખામધ્રોળ આવળ મંદિર નજીક ગૌશાળા અને સુખનાથ ચોક સાવજના ડેલા પાસેની ગૌશાળામાં જઇને દાન આપી શકાય છે.
અહેવાલ : નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ જૂનાગઢ