જુનાગઢમાં માથાભારે કાળા દેવરાજના કરોડોના ગેરકાયદેસર દબાણો હટાવાયા

રાજ્ય સરકારના દિશા-નિર્દેશ બાદ જૂનાગઢ જિલ્લામાં ભારે કાર્યવાહી હાથ ધરાઈ છે. અનેક ગુનાઓના આરોપી તથા ગુજસિટોકના વોન્ટેડ કાળા દેવરાજ રબારી વિરુદ્ધ જૂનાગઢ જિલ્લા કલેક્ટર અનિલકુમાર રાણાવસિયા ના માર્ગદર્શન હેઠળ ભારે પોલીસ બંદોબસ્ત સાથે કાર્યવાહી કરાઈ.

અંદાજે ૩૫,૮૦૦ ચો.મી. સરકારી જમીન ઉપરથી દબાણો દૂર કરાઈ, જેમાંથી ૭૫૦ ચો.મી.માં બનેલો વૈભવી બંગલો અને ૩૫,૦૦૦ ચો.મી.નો ફાર્મ હાઉસ તોડી પાડવામાં આવ્યા. મિલકતની બજાર કિંમત આશરે ૧૬ કરોડ જેટલી હોવાનું અનુમાન છે.

કાયદેસર નોટિસ અને હાઈકોર્ટમાંથી સરકારના પક્ષે ચુકાદા બાદ, કલમ ૨૦૨ હેઠળ દબાણ હટાવવાની આખરી કાર્યવાહી કરવામાં આવી. ડીવાયએસપી હિતેશ ધાંધલ્યા અને મામલતદારની ટીમે ૫ JCB અને ટ્રેક્ટરોની મદદથી દબાણ દૂર કર્યું.

કલેક્ટરશ્રીએ સ્પષ્ટ સંદેશો આપ્યો કે ગેરકાયદેસર દબાણો સામે ઝુંબેશરૂપે કાર્યવાહી થશે અને કાયદા મુજબ વધુ પગલાં લેવામાં આવશે.